દિવાળી વેકેશન નજીક આવી રહ્યું છે, અને ગુજરાતીઓ પ્રવાસની તૈયારીમાં વ્યસ્ત છે. આ વર્ષે ટ્રાવેલ ટ્રેન્ડમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. અમદાવાદના ટ્રાવેલ ઉદ્યોગના જાણકારોના જણાવ્યા અનુસાર, મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ અને ફ્યુઅલ સરચાર્જમાં વધારાને કારણે આંતરરાષ્ટ્રીય અને ઘરેલું ડેસ્ટિનેશનના પેકેજ મોંઘા થયા છે. જેના કારણે પ્રવાસીઓ ટૂંકા ગાળાની ઘરેલું ટ્રિપ તરફ વળ્યા છે.
આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં ગુજરાતીઓ વિયેતનામ, બાલી, થાઈલેન્ડ, શ્રીલંકા, સિંગાપોર અને દુબઈ જવાનું પસંદ કરી રહ્યા છે. જ્યારે ઘરેલું પ્રવાસનમાં સિક્કિમ, દાર્જિલિંગ, મેઘાલય અને નૈનીતાલ જેવા સ્થળોએ નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ઉપરાંત કેરળ, હિમાચલ પ્રદેશ, ગોવા, જમ્મુ-કાશ્મીર અને રાજસ્થાન પણ પસંદ કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદના ટ્રાવેલ ઉદ્યોગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ વર્ષે પ્રવાસીઓ આંતરરાષ્ટ્રીય ડેસ્ટિનેશનમાં વિયેતનામ માટે વધુ પૂછપરછ કરી રહ્યા છે. બીજી તરફ દુબઈના બુકિંગમાં ઘટાડો થયો છે. મધ્ય પૂર્વની વર્તમાન સ્થિતિ અને ફ્યુઅલ ખર્ચમાં વધારાને કારણે લોકો અન્ય આંતરરાષ્ટ્રીય સ્થળો તરફ વળ્યા છે.
ઘરેલું ડેસ્ટિનેશનમાં ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સ્થળો માટે વધુ પૂછપરછ છે. જોકે, સામાન્ય રીતે દિવાળી દરમિયાન ભીડથી ભરેલા કેરળ અને કર્ણાટકમાં આ વર્ષે અપેક્ષા કરતાં ઓછો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જમ્મુ-કાશ્મીર માટે પણ ગત વર્ષની સરખામણીએ ઓછું બુકિંગ હોવાનું ટ્રાવેલ ઉદ્યોગના સૂત્રો જણાવે છે. સામાન્ય રીતે ચારથી છ દિવસમાં પૂરો થઈ શકે તેવા ડેસ્ટિનેશનને વધુ પસંદ કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદની અલગારી ટ્રાવેલ એજન્સીના માલિક પ્રિયેશ ડોબરિયાએ જણાવ્યું કે, કેટલાક રૂટ પર ગત વર્ષની સરખામણીએ એરફેરમાં 30થી 40 ટકા અને કેટલાક સેક્ટરમાં 50 ટકા સુધીનો વધારો નોંધાયો છે. મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ અને ફ્યુઅલ સરચાર્જમાં વધારાને કારણે ટિકિટના ભાવમાં વધારો થયો છે. અમદાવાદથી આંદામાનની રિટર્ન ટિકિટ સામાન્ય રીતે દિવાળી દરમિયાન ₹25,000થી ₹30,000 આસપાસ રહેતી હતી, પરંતુ આ વર્ષે તે વધીને ₹55,000થી ₹60,000 સુધી પહોંચી છે. આંદામાન માટે મર્યાદિત ફ્લાઈટ્સ પણ ઊંચા ભાડાનું કારણ હોઈ શકે છે. લખનઉ જેવા ઘરેલું રૂટ પર પણ વન-વે ટિકિટનો ભાવ ₹15,000થી ₹17,000 સુધી પહોંચ્યો છે, જે અગાઉ ₹4,000થી ₹6,000 હતો. કેટલાક પ્રવાસીઓ ગોવા જતાં મહાબળેશ્વર અથવા અન્ય સ્થળોએ રોકાઈને ગોકર્ણા અને વર્કલા જેવા સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. પ્રિયેશ ડોબરિયાના જણાવ્યા અનુસાર, તેમની એજન્સીમાં આ દિવાળી દરમિયાન અંદાજે ₹2થી ₹2.5 કરોડનું બુકિંગ થયું હોવાનો અંદાજ છે.
અમદાવાદની ચીકી ટ્રાવેલ એજન્સીના માલિક અંકિત બજાજે જણાવ્યું કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે દિવાળી દરમિયાન પ્રવાસ બુકિંગમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. દિવાળી પહેલાં અને પછીના સમયગાળામાં પૂછપરછ અને બુકિંગ સારા છે, પરંતુ દિવાળીના મુખ્ય દિવસો દરમિયાન એડવાન્સ બુકિંગ અંદાજે 30થી 35 ટકા જેટલું હોવાનું સામે આવ્યું છે. એરફેરમાં થયેલો વધારો આ ઘટાડાનું મુખ્ય કારણ છે. આ ઉપરાંત સોના-ચાંદીની ખરીદી અંગેની ચર્ચા અને ભાવમાં થતા ફેરફારને કારણે પણ કેટલાક લોકો પ્રવાસ પાછળ ખર્ચ કરવાને બદલે કિંમતી સોનાની ખરીદી તરફ વળી શકે છે.
રાજકોટની મીથિકલ માઈલ્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર મોના જગોતે જણાવ્યું કે, દિવાળી નજીક આવી રહી છે, ત્યારે ગુજરાતના લોકો ફરવાના શોખીન છે. આંતરરાષ્ટ્રીય કે ઘરેલું બંનેમાં ક્રેઝ એટલો જ છે, ઘટ્યો નથી. આંતરરાષ્ટ્રીયમાં થાઈલેન્ડ, સિંગાપોર, મલેશિયા, વિયેતનામનો ક્રેઝ વધુ છે, જ્યારે દુબઈ અને બાલી જવાના શોખીન પણ વધુ છે. વિયેતનામના ફૂકોક આઇલેન્ડમાં અલગથી લોકો ફરવા જાય છે. ત્યાં કિંમતો પરવડી શકે તેવી છે અને પ્રવાસની મજા પણ છે.