દિવાળી તહેવાર નજીક આવતાં ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં ખરીદીનો માહોલ જામ્યો છે. રવિવારની રજા હોવાથી મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે બજારોમાં ઉમટી પડ્યા છે. અમદાવાદના ભદ્ર બજાર, સુરતની ચૌટા બજાર અને વડોદરાની મંગળ બજારમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે.
અમદાવાદના ભદ્ર બજારમાં છેલ્લી ઘડીની ખરીદી માટે લોકોની ભીડ એટલી હતી કે પગ મુકવાની જગ્યા પણ નહોતી. વેપારીઓ સ્ટોક ખાલી કરવા માટે આકર્ષક ઑફર્સ અને ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. 'રૂપિયા સોમાં ત્રણ' કે 'બજેટ ફ્રેન્ડલી' સેલના પોકારો બજારમાં સંભળાઈ રહ્યા છે. ભીડને કારણે લાલ દરવાજા અને આસપાસના રસ્તાઓ પર ટ્રાફિક જામ થયો છે. કોઈ અણબનાવ ન થાય તે માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ધ્યાન રાખ્યું છે.
ભદ્ર બજારના વેપારી અબ્દુલ રહિમે જણાવ્યું કે ગયા વર્ષની સરખામણીએ આ વખતે 60 ટકા વેપાર ઓછો છે, છતાં છેલ્લા ચાર દિવસથી લોકોની ભીડ જોવા મળી રહી છે.
રાજકોટના ધર્મેન્દ્ર રોડ પરની 50 વર્ષ જૂની બજારમાં પણ ભારે ભીડ જોવા મળી છે. અહીંના 1,000 દુકાનદારોએ સમગ્ર બજારને રોશનીથી શણગાર્યું છે. દિવાળી પહેલાના છેલ્લા રવિવારે લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા.
રાજકોટના હોલસેલ ટેક્સ્ટાઇલ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ હિતેશ અનડકટે જણાવ્યું કે લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ અને ઘી કાંટા રોડ વિસ્તારની જૂની હેરિટેજ માર્કેટમાં દિવાળી માટે ભારે ઉત્સાહ છે. અહીં આશરે 2,000 દુકાનોમાં કપડાં, શૂઝ, સાડી, શૂટિંગ-શર્ટિંગ અને જૅન્ટ્સ વેર સહિતની વસ્તુઓ એક જ જગ્યાએ મળે છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કોટન મટીરિયલ અને કોટન વેરના ભાવમાં 20થી 25 ટકાનો વધારો થયો છે. મોંઘવારી હોવા છતાં લોકોમાં ખરીદીનો ઉત્સાહ છે અને રાજકોટવાસીઓ રાત્રે 1 વાગ્યા સુધી બજારમાં ખરીદી કરે છે.
ગ્રાહક જાનવી વારાએ જણાવ્યું કે ધર્મેન્દ્ર રોડ બજારમાં ખરીદી કરવા આવ્યા છે. બજારમાં ટ્રાફિક ખૂબ છે પરંતુ વાતાવરણ સારું છે. તેમણે કહ્યું કે હાલમાં ફક્ત કપડાંની ખરીદી કરી છે, બાકીની ખરીદી આગળ કરશે. મોંઘવારી તો દર વખતની જેમ રહેવાની જ છે, પરંતુ બજારમાં લોકોની ભીડ જોઈને એવું નથી લાગતું કે મોંઘવારી નડતી હોય. પરિવાર સાથે ફટાકડા ફોડીને અને નવા કપડાં પહેરીને દિવાળી ઉજવવામાં આવશે.
વડોદરામાં માંડવીથી લહેરીપુરા ગેટ તરફ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. લોકોએ પોતાના વાહનો રસ્તાની આસપાસ આડેધડ પાર્કિંગ કરતાં ભારે ટ્રાફિક જામ થયો હતો. શહેરના માંડવી, મંગળ બજાર, નવા બજાર, સદર બજાર, મદન માર્કેટ અને રાવપુરા વિસ્તારમાં લોકો કપડાં, દિવાળીની રોશની અને ઘર ડેકોરેશનનો સામાન ખરીદવા ઉમટી પડ્યા હતા.
વેપારી બિલાલ મેમણે જણાવ્યું કે દિવાળી નજીક હોવાને કારણે અને રવિવાર હોવાથી બજારમાં ગ્રાહકોની ભારે ભીડ છે. ગ્રાહકો ઉત્સાહથી ખરીદી કરી રહ્યા છે અને ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ધંધો સારો રહ્યો છે. તેઓ સવારે 10 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી વેપાર કરે છે અને આગામી રવિવાર સુધી આવી જ ભીડ રહેવાની આશા વ્યક્ત કરે છે.
સુરતના ચૌટા બજારમાં પણ દિવાળી પહેલાં ઉત્સાહ અને રોનક જોવા મળી રહી છે. કામદારો અને નોકરિયાતોને પગાર મળતાં જ બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. નાના બાળકોથી લઈને વડીલો અને મહિલાઓ સુધીના તમામ લોકો નવા કપડાં ખરીદવા ઉમટી પડ્યા છે.