સત્ય. સાહસ. સંકલ્પ.

દિવાળી પહેલા જ રેશનકાર્ડ ધારકોને મળશે સિંગતેલ અને ખાંડ, ઓક્ટોબરમાં શરૂ થયું વિતરણ

દિવાળી પહેલા જ રેશનકાર્ડ ધારકોને મળશે સિંગતેલ અને ખાંડ, ઓક્ટોબરમાં શરૂ થયું વિતરણ

આ વર્ષે દિવાળી નવેમ્બરની શરૂઆતમાં આવી રહી છે. તહેવારોમાં સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકારે રેશનકાર્ડ ધારકોને અનાજ અને બીજી ચીજવસ્તુઓનું વિતરણ નવેમ્બરને બદલે ઓક્ટોબર મહિનામાં જ શરૂ કરી દીધું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ નિર્ણયથી લોકોને તહેવાર પહેલા જ જરૂરી રાશન મળી રહ્યું છે.

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ રેશનકાર્ડ ધારકોને દિવાળીની ખાસ ભેટ આપવામાં આવશે. દરેક કાર્ડદીઠ 1 લીટર ડબલ ફિલ્ટર્ડ સિંગતેલ અને 1 કિલોગ્રામ વધારાની ખાંડ આપવાનો નિર્ણય કરાયો છે. વાજબી ભાવની દુકાનો પર આ બંને વસ્તુઓનો પૂરતો જથ્થો પહોંચાડી દેવાયો છે.

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી પી.સી. બરંડાએ આંકડા આપતા કહ્યું કે, અન્ન પુરવઠા નિગમે મંજૂર કરેલા કુલ 2 લાખ મેટ્રિક ટન જથ્થામાંથી અંદાજે 1.95 લાખ મેટ્રિક ટન જથ્થો દુકાનો સુધી પહોંચી ગયો છે. એટલે કે રાજ્યભરમાં 96 ટકાથી વધુ ટ્રાન્સપોર્ટેશન પૂરું થઈ ચૂક્યું છે.

વસ્તુઓની વાત કરીએ તો ઘઉં અને ચોખાનો 98 ટકા જથ્થો દુકાનો પર પહોંચી ગયો છે. તુવેરદાળ 97 ટકા, ચણા 98 ટકા અને ખાંડ પણ 98 ટકા જેટલી દુકાનો પર પહોંચાડી દેવાઈ છે. ડબલ ફોર્ટીફાઇડ મીઠાનો 90 ટકા અને ડબલ ફિલ્ટર્ડ 1 લીટર સિંગતેલનો 93 ટકા જથ્થો વિતરણ માટે તૈયાર છે.

દુકાન સંચાલકોએ લાભાર્થીઓને જથ્થો આપવાની શરૂઆત કરી દીધી છે. વડોદરા શહેર અને જિલ્લા માટે તેલ વિતરણનું ખાસ આયોજન કરાયું છે. વડોદરા માટે કુલ 2,27,790 તેલના પાઉચ ફાળવાયા હતા, જેમાંથી 2,12,660 પાઉચ દુકાનો સુધી પહોંચાડી દેવાયા છે. આ 93.34 ટકા થાય છે. બાકી રહેલા 15,130 પાઉચ પણ ઝડપથી વડોદરા પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ રહી છે.

રાજ્ય સરકારના આ નિર્ણયને રેશનકાર્ડ ધારકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દિવાળી પહેલા જ ઘરમાં રાશન અને તેલ-ખાંડ આવી જવાથી પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.