ગુજરાત સરકારે દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં ૯ નવેમ્બર, ૨૦૨૬ને સોમવારના રોજ રજા જાહેર કરી છે. સામાન્ય વહીવટ વિભાગે આ અંગે સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો છે. આ નિર્ણયથી સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને ૮ નવેમ્બરથી ૧૧ નવેમ્બર સુધી સળંગ ચાર દિવસની રજા મળશે.
૨૦૨૬ના કેલેન્ડર મુજબ, ૮ નવેમ્બરે રવિવાર હોવાથી સાપ્તાહિક રજા છે અને તે જ દિવસે દિવાળીનો તહેવાર પણ છે. ૧૦ નવેમ્બરે મંગળવારે બેસતા વર્ષની જાહેર રજા છે, જ્યારે ૧૧ નવેમ્બરે બુધવારે ભાઈબીજની રજા આપવામાં આવી છે. આ તહેવારો વચ્ચે ફક્ત ૯ નવેમ્બરનો દિવસ કામકાજનો રહેતો હતો. સરકારે આ પડતર દિવસે રજા આપી છે, જેથી કર્મચારીઓ પોતાના વતનમાં જઈને પરિવાર સાથે તહેવાર ઉજવી શકે.
જોકે, આ રજાના બદલામાં કર્મચારીઓએ ૨૮ નવેમ્બર, ૨૦૨૬ના રોજ ફરજ બજાવવી પડશે. તે દિવસે મહિનાનો ચોથો શનિવાર આવે છે, જે સામાન્ય રીતે સરકારી કચેરીઓમાં રજા હોય છે. પરંતુ આ વખતે ૨૮ નવેમ્બરે તમામ સરકારી કચેરીઓ રાબેતા મુજબ પૂરો સમય ચાલુ રહેશે અને કર્મચારીઓએ હાજર રહેવું પડશે.
સરકારનો આ હુકમ ફક્ત સચિવાલય પૂરતો મર્યાદિત નથી. તે ગુજરાત સરકારની તમામ કચેરીઓ, પંચાયત વિભાગ તેમજ રાજ્ય સરકાર હેઠળના તમામ બોર્ડ અને કોર્પોરેશનોના કર્મચારીઓને સમાન રીતે લાગુ પડશે. પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ રજા વટાઉખત અધિનિયમ, ૧૮૮૧ (નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ) હેઠળ જાહેર કરવામાં આવી નથી.