સત્ય. સાહસ. સંકલ્પ.

દિવાળીમાં આગની ઘટનાઓમાં 565% વધારો: સુરત-અમદાવાદ મોખરે, 62 લોકો દાઝ્યા

દિવાળીમાં આગની ઘટનાઓમાં 565% વધારો: સુરત-અમદાવાદ મોખરે, 62 લોકો દાઝ્યા

દિવાળી પર્વ દરમિયાન રાજ્યભરમાં ઇમરજન્સી કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. '112' અને '108' સેવાના સત્તાવાર આંકડા મુજબ, દિવાળીના દિવસે આગના બનાવોમાં 565.45 ટકાનો વધારો થયો છે, જેમાં કુલ 366 ઘટનાઓ નોંધાઈ છે. સૌથી વધુ આગની ઘટનાઓ સુરત (82) અને અમદાવાદ (56) શહેરમાં બની છે. આ ઉપરાંત રાજકોટમાં 44, સુરત ગ્રામ્યમાં 37, વડોદરામાં 22, જામનગરમાં 14, ગાંધીનગર અને કચ્છ પૂર્વમાં 12-12 તથા અમદાવાદ ગ્રામ્યમાં 11 આગની ઘટનાઓ સામે આવી છે.

દાઝી જવાના કુલ 62 કેસમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી છે. જેમાં અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 13 લોકો દાઝ્યા છે. સુરતમાં 12, કચ્છ અને રાજકોટમાં 5-5, ગાંધીનગર અને વડોદરામાં 4-4 તથા આણંદ, ભાવનગર, જામનગર, નર્મદા, તાપી અને વલસાડમાં 2-2 કેસ નોંધાયા છે.

112 ઇમરજન્સી હેલ્પલાઇન પર સામાન્ય દિવસોમાં સરેરાશ 3,610 કોલ આવે છે, જ્યારે દિવાળીના દિવસે 56.54 ટકા વધારા સાથે 5,651 કોલ નોંધાયા છે. જાહેરમાં ઝઘડાના કેસ 967થી વધીને 1,651 (62.67% વધારો), હુમલાના કેસ 617થી વધીને 1,104 (78.93% વધારો), અવાજના પ્રદૂષણની ફરિયાદો 119થી વધીને 363 (205.04% વધારો) અને ઘરેલું હિંસાના કેસ 57થી વધીને 101 (77.19% વધારો) નોંધાયા છે.

108 એમ્બ્યુલન્સ સેવાને દિવાળીના દિવસે કુલ 5,934 મેડિકલ ઇમરજન્સી કોલ મળ્યા હતા, જે સામાન્ય દિવસોના 5,246 કોલની સરખામણીમાં 13.12 ટકા વધુ છે. સૌથી મોટો ઉછાળો વાહન અકસ્માતોમાં જોવા મળ્યો છે, જેમાં 646 કેસની સામે 87.49 ટકા વધારો થઈને 1,212 કેસ નોંધાયા છે. બિન-વાહન ઇજાઓમાં પણ 75.17 ટકાનો વધારો નોંધાયો છે.