સત્ય. સાહસ. સંકલ્પ.

ગાંધીનગરમાં હર્ષ સંઘવીની સ્થાનિક સ્ટોલ પરથી ખરીદી, રાજ્યમાં ફટાકડા અને વાહનોની ખરીદીમાં તેજી

ગાંધીનગરમાં હર્ષ સંઘવીની સ્થાનિક સ્ટોલ પરથી ખરીદી, રાજ્યમાં ફટાકડા અને વાહનોની ખરીદીમાં તેજી

દિવાળીના પર્વ નજીક આવતાં સમગ્ર ગુજરાતમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા અને રાજકોટ સહિત રાજ્યભરના બજારોમાં ખરીદીનો માહોલ છે. લોકો દિવાળીની તૈયારીઓ પૂરી કરવા બજારોમાં ઉમટી રહ્યા છે, અને સ્થાનિક વેપારીઓ સારા વેપારની આશા સાથે ઉત્સાહિત છે.

ગાંધીનગરમાં દિવાળીની ખરીદી દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ બજારમાં પહોંચ્યા હતા. તેમણે સ્થાનિક સ્ટોલ પરથી વિવિધ વસ્તુઓની ખરીદી કરી હતી. સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરીને તેમણે સ્થાનિક બજાર અને નાના વેપારીઓને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપ્યો હતો. આ દરમિયાન બજારમાં ખરીદી કરવા આવેલા લોકોમાં પણ દિવાળીના પર્વને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

બીજી તરફ, દિવાળીની ઉજવણી માટે રાજ્યના ફટાકડા બજારોમાં પણ ખરીદીનો માહોલ જામ્યો છે. ખાસ કરીને સુરતમાં ફટાકડાની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો બજારમાં ઉમટી રહ્યા છે. બજારમાં વિવિધ વેરાયટીના ફટાકડા લોકોનું આકર્ષણ બની રહ્યા છે. બાળકોમાં ફટાકડા ખરીદવા માટે ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે પરિવારજનો પણ દિવાળીની ઉજવણી માટે મનપસંદ ફટાકડાની ખરીદી કરી રહ્યા છે.

ધનતેરસના પવિત્ર દિવસે સોના-ચાંદીની ખરીદીની સાથે વાહન ખરીદવાની પણ પરંપરા છે. ધાર્મિક અને સામાજિક માન્યતાઓ અનુસાર, ધનતેરસના શુભ દિવસે નવું વાહન ખરીદવું સમૃદ્ધિ, સુખ અને પ્રગતિનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલી ખરીદી શુભ અને કલ્યાણકારી રહે તેવી લોકોની માન્યતા છે. આ જ માન્યતાને પગલે રાજ્યમાં ધનતેરસના દિવસે વાહનોની ખરીદી માટે ગ્રાહકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. વિવિધ વાહન શોરૂમમાં ગ્રાહકોની અવરજવર વધી હતી. પરિવારો નવા વાહન સાથે દિવાળીના પર્વની ખુશીઓ બમણી કરવા આતુર જોવા મળ્યા હતા. એવું માનવામાં આવે છે કે આ દિવસે વાહન ખરીદવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ઐશ્વર્યનો વાસ થાય છે. શાસ્ત્રો અનુસાર, ધનતેરસના દિવસે કરવામાં આવેલી ખરીદી 'અક્ષય' ફળ આપે છે. આ શુભ દિવસે ખરીદેલું વાહન લાંબા સમય સુધી સુખ, સલામતી અને પ્રગતિ આપે છે. ધનતેરસનો આખો દિવસ અને તેના મુહૂર્તો સ્વયંસિદ્ધ અત્યંત શુભ માનવામાં આવે છે. ધનતેરસ એ નવું જીવન, નવી ઉર્જા અને સકારાત્મકતા અપનાવવાનો દિવસ છે. તો આ મહત્વને જોતા આજે ગાડીઓની ધૂમ ખરીદી થઈ રહી છે.

દિવાળીના પર્વને લઈને સમગ્ર ગુજરાતના બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિતના શહેરોમાં લોકો દિવાળીની તૈયારીઓ માટે ઉમટી રહ્યા છે.

ગાંધીનગરમાં દિવાળીની ખરીદી વચ્ચે હર્ષ સંઘવી સ્થાનિક સ્ટોલ પર પહોંચ્યા હતા. તેમણે વિવિધ વસ્તુઓની ખરીદી કરીને સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપ્યો.

દિવાળીની ઉજવણીને લઈને રાજ્યના ફટાકડા બજારોમાં ખરીદીનો ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સુરતમાં લોકો મોટી સંખ્યામાં ફટાકડા ખરીદવા ઉમટી રહ્યા છે.

ધનતેરસના દિવસે વાહન ખરીદવું સમૃદ્ધિ, સુખ અને પ્રગતિનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે કરેલી ખરીદી શુભ, કલ્યાણકારી અને 'અક્ષય' ફળ આપે છે.