ગુજરાતમાં રેલવેના તમામ ટ્રેક ઇલેક્ટ્રિફાઇડ થઈ ગયા હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ પશ્ચિમ રેલવે હજુ 350થી વધુ ડીઝલ એન્જિન દોડાવી રહ્યું છે. આ માહિતી RTI (માહિતી અધિકાર)ના જવાબમાં સામે આવી છે. જેમાં અમદાવાદ ડિવિઝનમાં સૌથી વધુ 313 ડીઝલ એન્જિન કાર્યરત હોવાનું જાણવા મળ્યું છે. પૂરતા ઇલેક્ટ્રિક એન્જિન ન હોવાથી આ ડીઝલ એન્જિનો ચલાવવા પડે છે, જેનાથી પર્યાવરણને નુકસાન થાય છે અને કરોડો લિટર ઇંધણનો વ્યય થાય છે.
એક તરફ વડાપ્રધાન લોકોને ઇંધણ બચાવવાની અપીલ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ રેલવે પોતે ડીઝલ એન્જિન પર આધારિત છે. રાજ્યના તમામ ડિવિઝનમાં ડીઝલ એન્જિન દોડી રહ્યા છે. અમદાવાદ ડિવિઝનમાં 313 એન્જિન કાર્યરત છે. નોંધનીય છે કે પશ્ચિમ રેલવેમાં હાલમાં માત્ર 788 ઇલેક્ટ્રિક એન્જિન છે. રેલવે મંત્રાલય પૂરતા ઇલેક્ટ્રિક એન્જિન પૂરા ન પાડી શકતું હોવાથી જ્યાં ઇલેક્ટ્રિક લાઇન છે તેવા ટ્રેક પર પણ ડીઝલ એન્જિન ચલાવવા પડે છે.
રાજ્યમાં તમામ રેલવે લાઇનનું ઇલેક્ટ્રિફિકેશન થઈ ગયું હોવાનો રેલવે દ્વારા દાવો કરવામાં આવે છે. ત્યારે RTIમાં મળેલી માહિતીએ રેલવેના દાવા સામે સવાલો ઊભા કર્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાતમાં હાલ 788 ઇલેક્ટ્રિક એન્જિન અને 350 જેટલા ડીઝલ એન્જિન કાર્યરત છે. જેમાં ડીઝલ એન્જિનની વાત કરીએ તો આ 350 એન્જિનમાંથી 313 એન્જિન માત્ર અમદાવાદ ડિવિઝન હેઠળ છે. 220 ગાંધીધામ શેડમાં જ્યારે 93 એન્જિન સાબરમતી શેડમાં આવેલા છે.
આ ઉપરાંત મુંબઈ ડિવિઝન હેઠળ વલસાડ-બીલીમોરા વિસ્તારમાં 17 અને ભાવનગર ડિવિઝનમાં 12 ડીઝલ એન્જિન કાર્યરત છે. રેલવે લાઇનનું વીજળીકરણ કરવાનો મુખ્ય હેતુ ડીઝલ આધારિત ટ્રેક્શન ઘટાડીને વીજળી આધારિત કરવાનો છે, જેથી પર્યાવરણ સાથે ઇંધણનો બચાવ થાય. તેમ છતાં રાજ્યમાં ઇલેક્ટ્રિક એન્જિનની સામે 44 ટકા એન્જિન ડીઝલ પર આધારિત દોડી રહ્યાં છે. એટલું જ નહીં, આ ડીઝલ એન્જિનોમાંથી મોટા ભાગના એન્જિનો સંપૂર્ણ ઇલેક્ટ્રિફાઇડ થયેલી રેલલાઇન પર દોડી રહ્યાં છે.
પશ્ચિમ રેલવેના ગુજરાતમાં આવેલા વલસાડ, વડોદરા, સાબરમતી અને વટવા એમ ચાર શેડમાં કુલ 788 ઇલેક્ટ્રિક એન્જિન કાર્યરત છે. જેમાં વલસાડમાં 141, વડોદરામાં 316, સાબરમતીમાં 43 અને વટવામાં 188 એન્જિન છે. આ શેડમાં WAP-4, WAP-5, WAP-7 અને WAG-9H સહિતના એન્જિન છે.
સાબરમતી શેડમાં 12 હજાર હોર્સપાવરની ક્ષમતાવાળા WAG-12 એન્જિન દેશમાં 652 કાર્યરત છે. જેમાં યુપી, મહારાષ્ટ્ર બાદ માત્ર ગુજરાત પાસે જ આ પ્રકારના એન્જિન છે. આ હાઇપાવર ઇલેક્ટ્રિક એન્જિન મુખ્યત્વે ભારે માલગાડીઓના સંચાલન માટે ઉપયોગમાં લેવાતા હોય છે. આ પ્રકારના 154 એન્જિન સાબરમતી શેડમાં આવેલા છે.
અમદાવાદ ડિવિઝન હેઠળ આવતાં વટવા, કાંકરિયા, સાબરમતી, મહેસાણા, ગાંધીધામ, મુંદ્રા પોર્ટ, ભીલડી લોકો શેડ પરથી વિવિધ પ્રકારના ડીઝલ એન્જિનના વપરાશનું સર્વેક્ષણ પણ RTI હેઠળ સામે આવ્યું છે. જેમાં અમદાવાદ ડિવિઝન હેઠળ છેલ્લા વર્ષમાં કુલ 8.27 કરોડ લિટર ડીઝલનો વપરાશ થયો હતો.
રાજ્યમાં રેલવેની મોટા ભાગની લાઇનનું ઇલેક્ટ્રિફિકેશન થઈ ગયું હોવા છતાં આ ઇલેક્ટ્રિક લાઇન પર હજુ ડીઝલ એન્જિન દોડાવવામાં આવી રહ્યા છે. આ બાબતે રેલવે અધિકારીનો સંપર્ક કરીને હકીકત જાણવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, અધિકારી તરફથી આ બાબતે કોઈ સ્પષ્ટ કે સંતોષકારક જવાબ મળ્યો ન હતો.
ગુજરાતમાં ક્યાં કેટલા ડીઝલ એન્જિન કાર્યરત:
- ગાંધીધામ: 220
- સાબરમતી: 93
- વલસાડ-બીલીમોરા: 17
- ભાવનગર: 12