સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતના હીરા ઉદ્યોગમાં મંદી: અમદાવાદમાં 40% કારખાના બંધ, રત્નકલાકારોની રોજગારી પર અસર

ગુજરાતના હીરા ઉદ્યોગમાં મંદી: અમદાવાદમાં 40% કારખાના બંધ, રત્નકલાકારોની રોજગારી પર અસર

ગુજરાતના હીરા ઉદ્યોગ પર વૈશ્વિક આર્થિક કટોકટી અને ભૌગોલિક-રાજકીય તણાવની સીધી અસર પડી છે. અમદાવાદમાં 40% હીરાના કારખાનાના પાટિયા પડી ગયા છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને મધ્ય-પૂર્વના તણાવે કાચા હીરાની સપ્લાય ચેઈન ખોરવી નાખી છે. જેના કારણે 2 લાખ રત્નકલાકારોમાંથી સવા લાખ જ બચ્યા છે. હજારો પરિવારો આર્થિક સંકટમાં ફસાયા છે.

એક સમયે વૈશ્વિક સ્તરે ડાયમંડ કટિંગ અને પૉલિશિંગમાં ડંકો વગાડતો હીરા ઉદ્યોગ હાલમાં મંદીના દોરમાંથી પસાર થઈ રહ્યો છે. આ સંકટના કારણે હજારો રત્નકલાકારોએ પરંપરાગત વ્યવસાય છોડીને અન્ય ક્ષેત્રોમાં મજૂરી કે વૈકલ્પિક રોજગારી શોધવાની નોબત આવી છે.

હીરાના કારખાનાના માલિકોનું કહેવું છે કે, આ મંદી પાછળ વૈશ્વિક પરિસ્થિતિઓ મુખ્ય જવાબદાર છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ તેમજ મધ્ય-પૂર્વના તણાવને કારણે કાચા હીરાની સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને લીધે રફ માલની કિંમતમાં વધારો થયો છે. બીજી તરફ, અમેરિકા અને યુરોપ જેવા મોટા બજારોમાં તૈયાર હીરાની માંગમાં ઘટાડો નોંધાયો છે, જેથી સ્થાનિક ઉદ્યોગકારો બેવડા મારનો સામનો કરી રહ્યા છે.

મંદીની સૌથી માઠી અસર નાના અને મધ્યમ કક્ષાના કારખાનાઓ પર પડી છે. એકલા અમદાવાદની વાત કરીએ તો, અહીં અગાઉ 600થી વધુ હીરાના કારખાના ધમધમતા હતા, જેમાં અત્યાર સુધીમાં 40થી વધુ કારખાના કાયમી ધોરણે બંધ થઈ ચૂક્યા છે. ઓર્ડરના અભાવ અને આર્થિક બોજ ન ઉપાડી શકવાના કારણે અનેક માલિકોએ કારખાના બંધ કરવાનો કે કામકાજના કલાકો ઘટાડવાનો નિર્ણય લીધો છે.

અમદાવાદમાં અગાઉ 2 લાખથી વધુ રત્નકલાકારો હીરા ઘસી રોજીરોટી મેળવતા હતા. મંદીના આ વંટોળમાં રોજગારી ગુમાવવાને કારણે આજે તેની સંખ્યા ઘટીને માત્ર સવા લાખ આસપાસ પહોંચી ગઈ છે. હજારો પરિવારો આર્થિક કટોકટીમાં સપડાતા, રત્નકલાકારો હીરા ઉદ્યોગને અલવિદા કહી રહ્યા છે. પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ વખતે હીરા બજારમાં અને કારખાનાઓમાં સત્તાવાર રીતે 21 દિવસનું લાંબુ વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે.