સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં ડાયાબિટીસ વધ્યો: ગ્રામ્ય વિસ્તારોમાં પણ બ્લડ સુગર ઊંચી, નવસારી અને ડાંગ ચિંતાનો વિષય

ગુજરાતમાં ડાયાબિટીસ વધ્યો: ગ્રામ્ય વિસ્તારોમાં પણ બ્લડ સુગર ઊંચી, નવસારી અને ડાંગ ચિંતાનો વિષય

વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે ગુજરાત માટે ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. રાજ્યમાં ડાયાબિટીસનું જોખમ હવે માત્ર શહેરો પૂરતું નથી રહ્યું, ગ્રામ્ય વિસ્તારોમાં પણ બ્લડ સુગરનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-6)ના 2023-24ના આંકડા મુજબ, ગુજરાતમાં 18.6 ટકા પુરુષો અને 16.4 ટકા મહિલાઓમાં બ્લડ સુગરનું પ્રમાણ ખૂબ ઊંચું નોંધાયું છે. NFHS-5ની સરખામણીમાં પુરુષોમાં 1.7 ટકા અને મહિલાઓમાં 0.6 ટકાનો વધારો થયો છે.

શહેરી વિસ્તારોમાં ડાયાબિટીસનું પ્રમાણ હજુ પણ વધુ છે, પણ છેલ્લા ચાર વર્ષમાં ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે વધારો નોંધાયો છે તે ચિંતાનો વિષય બન્યો છે.

પુરુષોમાં નવસારી જિલ્લામાં સૌથી વધુ 9.2 ટકાનો વધારો નોંધાયો છે. આણંદમાં 8.9 ટકા અને ગીર સોમનાથમાં 7.6 ટકાનો વધારો થયો છે. મહિલાઓમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌથી વધુ વધારો નોંધાયો છે. ડાંગમાં 6.5 ટકા, વલસાડમાં 5.6 ટકા અને નવસારીમાં 4.8 ટકાનો વધારો થયો છે.

14 નવેમ્બરે વિશ્વ ડાયાબિટીસ દિવસ ઉજવાય છે. આ વર્ષની થીમ 'Early Action on Diabetes' એટલે કે ડાયાબિટીસ સામે વહેલી તકે પગલાં લેવાની છે.

તબીબોના મતે સર્વેના આંકડા દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં જોવા મળી રહેલી પરિસ્થિતિ દર્શાવે છે. ડાયાબિટીસ સામે જાગૃતિ, સમયસર તપાસ અને જીવનશૈલીમાં જરૂરી ફેરફાર હવે વધુ મહત્ત્વના બન્યા છે.