સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં 1.02 કરોડ હેક્ટર જમીન બિનઉપજાઉ, રણીકરણમાં દેશમાં ત્રીજો ક્રમ

ગુજરાતમાં 1.02 કરોડ હેક્ટર જમીન બિનઉપજાઉ, રણીકરણમાં દેશમાં ત્રીજો ક્રમ

ગાંધીનગર: ગુજરાતમાં જમીનનું ધોવાણ, ખારાશ અને રણીકરણની સમસ્યા ગંભીર બની છે. રાજ્યમાં 1.02 કરોડ હેક્ટરથી વધુ જમીન બિનઉપજાઉ થવાની પ્રક્રિયામાં છે, જે ખેતી માટે મોટો ખતરો છે. જમીન વેરાન થવાની રેસમાં ગુજરાત દેશમાં મહારાષ્ટ્ર અને રાજસ્થાન પછી ત્રીજા ક્રમે છે.

ભાલ, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂગર્ભજળનું વધુ પડતું ખેંચાણ, દરિયાના ખારા પાણીનો પ્રવેશ અને અનિયમિત હવામાનને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. છેલ્લા આઠથી દશ વર્ષના ટૂંકા ગાળામાં જ રાજ્યના રણ અને બિનઉપજાઉ વિસ્તારમાં આશરે 1.85 લાખ હેક્ટરનો વધારો નોંધાયો છે.

કૃષિ અને પર્યાવરણના નિષ્ણાતોના મતે આ સ્થિતિ લાલબત્તી સમાન છે. કેમિકલ યુક્ત ખાતરો અને જંતુનાશક દવાઓના આડેધડ વપરાશથી જમીનની કુદરતી ફળદ્રુપતા નાશ પામી રહી છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી જમીનમાં ક્ષારનું પ્રમાણ વધે છે, જે પાક માટે નુકસાનકારક છે. ફેક્ટરીઓનું કેમિકલયુક્ત દૂષિત પાણી છોડવાથી પણ જમીન બિનઉપયોગી બની રહી છે.

બીજી તરફ, રાજ્યમાં અંધાધૂંધ ઔદ્યોગિકરણ અને ઝડપી શહેરીકરણની સીધી અસર ખેતીલાયક જમીન પર પડી રહી છે. છેલ્લા પાંચેક વર્ષમાં જ ગુજરાતની આશરે 2.28 લાખ હેક્ટર ફળદ્રુપ જમીન બિનખેતીલાયક બની છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે સૌથી વધુ ખેતીલાયક જમીન રહેણાંક અને વાણિજ્યિક બાંધકામો માટે બિનખેતીમાં ફેરવાઈ ગઈ છે.

નિષ્ણાતોના મતે જો ઓર્ગેનિક ખેતી, દરિયાઈ વિસ્તારોમાં ખારાશ નિયંત્રણ, વ્યાપક વૃક્ષારોપણ અને પાણીના યોગ્ય સંચય માટે માઈક્રો-ઈરિગેશન જેવા નક્કર પગલાં તાત્કાલિક ધોરણે લેવામાં નહીં આવે, તો રાજ્યમાં અન્ન અને ખેતીલાયક જમીનની ભારે અછત સર્જાશે તે દિવસો દૂર નથી.

જમીન બિનઉપજાઉ બનવાના મુખ્ય કારણો:

  • વરસાદી પાણીના વહેણને લીધે ફળદ્રુપ માટીનું ધોવાણ થાય છે.
  • દરિયાના ખારા પાણીનો પ્રવેશ જમીનને બિનઉપજાઉ બનાવે છે.
  • કેમિકલ યુક્ત ખાતર અને જંતુનાશક દવાના વપરાશથી ફળદ્રુપતા નાશ પામે છે.
  • ભૂગર્ભજળના વધુ પડતા ખેંચાણને લીધે જમીન સૂકી અને રેતાળ બને છે.
  • ખેતરોમાં પાણી ભરાઈ જતાં ક્ષારનું પ્રમાણ વધે છે.
  • ફેક્ટરીઓનું દૂષિત પાણી જમીન બિનઉપયોગી બનાવે છે.
  • જમીનની ફળદ્રુપતા ઘટવાથી પાકના ઉત્પાદનમાં ઘટાડો થાય છે.