ગુજરાતમાં આ વખતે ડેન્ગ્યુની ચર્ચા ખૂબ થઈ રહી છે. કારણ કે સપ્ટેમ્બર મહિનામાં આ રોગ ઝડપથી ફેલાયો છે. હજારો લોકો આ રોગની ચપેટમાં આવી ગયા છે. અમદાવાદમાં એક બાળક તથા સુરતમાં 25 વર્ષની યુવતી અને 19 વર્ષના યુવકનો ભોગ લેવાઈ ચૂક્યો છે. સુરતમાં તો એક જ દિવસમાં બે મોત થયા છે.
ડેન્ગ્યુની અત્યારે સ્થિતિ શું છે?
ડેન્ગ્યુ છેલ્લા બે મહિનામાં બહુ વકરી ગયો છે. તેમાં ય સપ્ટેમ્બર મહિનામાં હજારો કેસ સામે આવ્યા છે. સરકારી આંકડા મુજબ સપ્ટેમ્બરમાં જ ત્રણ મોત થઈ ચૂક્યા છે. ખાનગી હોસ્પિટલમાં થયેલા મોતના આંકડા બહાર આવતા નથી, એટલે મોતનો આંકડો વધુ હોઈ શકે છે.
ડેન્ગ્યુ એડિસ એજીપ્ટી મચ્છરથી ફેલાય છે. આ મચ્છર વહેલી સવારે અને મોડી સાંજે કરડે છે. ચોમાસામાં ચારેય તરફ પાણી ભરાયેલું હોય ત્યાં તે ઈંડા મૂકે છે. પછી ભાદરવાના તડકા પડે એટલે પાણીમાંના ઈંડા સેવાઈ જાય છે અને તેમાંથી નવા મચ્છરો નીકળીને ચારેકોર ફેલાઈ જાય છે. અત્યારે બરાબર આ જ સ્થિતિ છે.
અમદાવાદમાં 27 સપ્ટેમ્બરની સ્થિતિએ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 2,000 જેટલા દર્દીઓ દાખલ છે. ઘરે બેઠા સારવાર લેતા હજારો દર્દીઓ અલગ. ડેન્ગ્યુ બાળકો અને વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. તાવ આવે, શરીરમાં કળતર થાય અને ખૂબ થાક લાગે. પણ મોટાભાગના લોકો ટેસ્ટ કરાવતા નથી. બહુ તબિયત બગડે પછી જ ટેસ્ટ કરાવે છે. જાતે પેઈનકિલર લેવાથી જોખમ વધે છે.
1થી 20 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેન્ગ્યુના કુલ 496 કેસ નોંધાયા છે, જેમાંથી 183 કેસ (લગભગ 37%) 0થી 14 વર્ષના બાળકોના છે. વધતા સંક્રમણને કારણે શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા આઠ વર્ષના બાળકનું પણ મૃત્યુ થયું છે. આ મૃત્યુ સપ્ટેમ્બરના શરૂઆતના 20 દિવસોમાં થયું હતું.
20 દિવસમાં ડેન્ગ્યુના કેસોમાં ઝડપી વધારો થયો છે અને ચિંતા છે કે આગામી એક-બે મહિનામાં કેસ વધુ વધી શકે છે. બાળકો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓને ડેન્ગ્યુનું જોખમ વધુ છે.
ડેન્ગ્યુના કેસ કેમ વધ્યા?
અમદાવાદના સિનિયર ફિઝિશિયન ડૉ. તપન શાહ કહે છે, "ડેન્ગ્યુ વાયરસના ચાર પ્રકાર છે: DENV 1, DENV 2, DENV 3 અને DENV 4. આ ચારમાંથી કોઈ પણ એક વાયરસથી ડેન્ગ્યુ થઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં DENV 1 અને DENV 2 પ્રકારના વાયરસ ફેલાતા હતા. આ વખતે DENV 3 પ્રકારનો વાયરસ ફેલાયો છે. બીજું, કોરોના વાયરસની જેમ કોઈપણ વાયરસ સમય સાથે રૂપ બદલતો રહે છે. ડેન્ગ્યુના વાયરસમાં પણ એવું જ છે. વાયરસે રૂપ બદલ્યું છે એટલે ગયા વર્ષે જે દવા કામ કરતી હતી તે આ વખતે કામ ન કરે. આ મ્યુટેશનના કારણે ડેન્ગ્યુનો વાયરસ વકર્યો છે અને કેસ પણ વધ્યા છે."
એડિસ એજીપ્ટી મચ્છરના શરીર અને પગ પર કાળા-સફેદ પટ્ટા હોવાથી તેને 'ટાઇગર મચ્છર' પણ કહે છે. માદા મચ્છર સ્વચ્છ અને સ્થિર પાણીમાં ઈંડાં મૂકે છે. જો ડેન્ગ્યુ વાયરસનો ચેપ ધરાવતી માદા મચ્છર ઈંડાં મૂકે તો તે ઈંડાં પણ વાયરસગ્રસ્ત હોય છે. આમ ડેન્ગ્યુ વાયરસ વધુ ફેલાય છે.
જે માદા મચ્છરમાં ડેન્ગ્યુ વાયરસ આવી જાય પછી તે જીવે ત્યાં સુધી તેનામાં વાયરસ રહે છે અને અન્ય લોકોમાં પણ ફેલાવે છે. એડિસ એજીપ્ટી મચ્છરનું સરેરાશ આયુષ્ય 14 દિવસનું હોય છે. તે જીવનકાળ દરમિયાન ત્રણ વાર ઈંડાં આપે છે અને દર વખતે લગભગ 100 ઈંડાં આપે છે.
માત્ર માદા મચ્છર જ માણસોને કરડે છે કારણ કે તેને ઈંડાંના વિકાસ માટે માણસોના લોહીની જરૂર હોય છે. તે વહેલી પરોઢ અને સમી સાંજના સમયે વધારે કરડે છે.
ડેન્ગ્યુ થવો એટલે પ્લેટલેટ્સ ઘટવા. તેના દેશી ઉપચાર ઘણા છે પણ સૌથી કોમન ઉપાય છે પપૈયાના પાનનો રસ પીવો. જોકે, આ ઉપચાર વૈજ્ઞાનિક રીતે સાબિત નથી. ડેન્ગ્યુની સારવાર માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.