ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના વરસાદ અને આગામી શિયાળા અંગે નવી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, આગામી 15 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે. રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. લાંબા વિરામ બાદ શરૂ થયેલો આ વરસાદ ખેડૂતોના પાક માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, રાજ્યના અનેક વિસ્તારોમાં 3 ઈંચ કે તેથી વધુ વરસાદ થઈ શકે છે.
શિયાળાની ઋતુ અંગે પણ તેમણે ચિંતાજનક ચિત્ર રજૂ કર્યું છે. તેમના જણાવ્યા અનુસાર, આગામી ડિસેમ્બરમાં ભારત પર એકસાથે 3 વાવાઝોડાં ત્રાટકી શકે છે. આ ત્રણમાંથી એક વાવાઝોડું સૌથી શક્તિશાળી અને વિનાશક હોઈ શકે છે. આ વાવાઝોડાં બંગાળના ઉપસાગર ઉપરાંત અરબ સાગરમાં પણ સક્રિય થઈ શકે છે. આ સિસ્ટમ સક્રિય થવાને કારણે ડિસેમ્બરમાં ગુજરાતમાં ભારે પવન સાથે ભારેથી અતિભારે કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. જો આમ થશે તો શિયાળુ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે અને લોકોએ બેવડી ઋતુનો સામનો કરવો પડશે.