ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના છેલ્લા દિવસે સરકારી વિભાગોના પ્રશ્નોત્તરી કાળમાં કેટલાક મહત્વના આંકડા સામે આવ્યા છે. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG)ના અહેવાલ અને સરકારના જવાબોમાંથી રાજ્યના દેવા, પીવાના પાણીની ગુણવત્તા અને સિંહોના મોત અંગેની માહિતી મળી છે.
વિધાનસભામાં રજૂ થયેલી સત્તાવાર માહિતી મુજબ, ગુજરાત સરકારનું જાહેર દેવું વર્ષ 2024-25માં ₹3,74,845 કરોડ હતું. 2025-26ના સુધારેલા અંદાજ મુજબ તે વધીને ₹4,30,320 કરોડ થવાનો અંદાજ છે. 2024-25માં સરકારે વ્યાજ પેટે ₹25,604 કરોડ અને મુદ્દલ પેટે ₹29,126 કરોડ ચૂકવ્યા હતા. 2025-26માં વ્યાજની રકમ ₹27,095 કરોડ અને મુદ્દલ ચુકવણી ₹34,025 કરોડ થવાનો અંદાજ છે.
CAGના અહેવાલમાં પીવાના પાણીની ગુણવત્તા અંગે ચિંતા દર્શાવવામાં આવી છે. ચોમાસા પહેલા લેવાયેલા 26% અને ચોમાસા બાદ લેવાયેલા 24% પાણીના નમૂના પરીક્ષણમાં અયોગ્ય સાબિત થયા હતા. રાજ્યના 249 તાલુકાઓમાંથી માત્ર 46 તાલુકાઓમાં જ વોટર ટેસ્ટિંગ લેબોરેટરી ઉપલબ્ધ છે. 39,468 પાણીના સ્ત્રોતોમાંથી 72%થી વધુ સ્ત્રોતોનું જીઓ-ટેગિંગ થયું નથી. વર્ષ 2020-21માં 10,555 મિલિયન લિટર (કુલ સપ્લાયના 10.47%) પાણી વહન દરમિયાન નુકસાન થયું હતું, છતાં જાન્યુઆરી 2025 સુધી નવેસરથી વોટર ઓડિટ કરાયું નહોતું. જળ જીવન મિશન હેઠળ સ્ટાફ ક્વાર્ટર્સ પાછળ ₹28.79 કરોડનો અસ્વીકાર્ય ખર્ચ થયો હોવાનું પણ સામે આવ્યું છે.
વન વિભાગની માહિતી મુજબ, છેલ્લા એક વર્ષમાં વિવિધ બીમારીઓને કારણે 17 નર, 17 માદા અને 28 સિંહબાળ મળીને કુલ 62 સિંહોના મોત થયા છે. સિંહોમાં સેપ્ટિસેમિયા, હેમોરેજિક ન્યુમોનિયા, એનિમિયા અને કિડની-લિવર ફેલ્યોર જેવા રોગો જોવા મળ્યા હતા. સંક્રમણ રોકવા માટે સાસણ, જામવાળા, જસધાર અને સક્કરબાગ ખાતે સ્પેશિયલ સારવાર કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં લોહીના નમૂનાની ચકાસણી, રસીકરણ અને ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે.
જળ જીવન મિશનમાં CAGએ નાણાકીય અનિયમિતતાઓ પકડી પાડી છે. ખોટો વ્હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI) લાગુ કરવાના કારણે કોન્ટ્રાક્ટરોને ₹54.32 કરોડ અને GSTના અયોગ્ય દરો અપનાવવા બદલ વધારાના ₹18.65 કરોડ, મળીને કુલ ₹72.97 કરોડનું વધારાનું ચૂકવણું કરવામાં આવ્યું હતું. 11 મુખ્ય જૂથ પાઇપલાઇન યોજનાઓમાંથી 5 યોજનાઓ પૂર્ણ કરવામાં 8થી 25 મહિનાનો વિલંબ થયો હતો.
ઓડિટ અહેવાલ મુજબ, સરકારે નિયત સમયસર ફાળો ન જમા કરાવતાં જળ જીવન મિશન ₹3,179.31 કરોડના કેન્દ્રીય ભંડોળથી વંચિત રહી ગયું હતું. 18,024 ગામોને 100% 'હર ઘર જલ' જાહેર કરાયા હોવા છતાં ઓગસ્ટ 2025 સુધી માત્ર 93.87% (16,920 ગામો)નું જ વેરિફિકેશન પૂર્ણ થયું હતું અને 71,842 ઘરોમાં વાસ્તવિક ઘરેલું નળ જોડાણ (FHTC) હાજર નહોતું. ઉમરેઠ, ભરૂચ અને પાટણ જેવા વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયા છતાં સંપ અને ESR વચ્ચે પાઇપલાઇન કનેક્ટિવિટી ન હોવાથી યોજનાઓ અધૂરી રહી છે.
જળ જીવન મિશનના સુપરવિઝન માટે રચાયેલી SWSMની એપેક્સ કમિટી કે એક્ઝિક્યુટિવ કમિટીની વર્ષ 2020થી 2024 દરમિયાન એક પણ બેઠક મળી નહોતી. જિલ્લા સ્તરે 55 બેઠકો યોજવાના નિયમ સામે માત્ર 6થી 36 બેઠકો જ બોલાવાઈ હતી, જ્યારે ગ્રામીણ સમિતિઓમાં SC-ST સમુદાયને યોગ્ય પ્રતિનિધિત્વ પણ અપાયું નહોતું. છેલ્લા પાંચ વર્ષમાં બાકી પાણી વેરાની વસૂલાતમાં 70.05%નો ઉછાળો આવ્યો છે અને બાકી રકમ ₹139.11 કરોડથી વધીને ₹236.55 કરોડ થઈ ગઈ છે.
શિક્ષણ ક્ષેત્રે સરકારે જણાવ્યું કે નમો લક્ષ્મી યોજના હેઠળ 10.49 લાખથી વધુ વિદ્યાર્થિનીઓને ₹572.93 કરોડની આર્થિક સહાય આપવામાં આવી છે. વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી 85,946 કન્યાઓને નમો સરસ્વતી યોજના થકી ₹106 કરોડ અને મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના હેઠળ મેડિકલના તેજસ્વી છાત્રોને ₹29.38 કરોડ આપવામાં આવ્યા છે.