સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતના ડેમોમાં જળસ્તર 70% પર પહોંચ્યું, 28 ડેમ છલોછલ અને 43 હાઈ એલર્ટ પર

ગુજરાતના ડેમોમાં જળસ્તર 70% પર પહોંચ્યું, 28 ડેમ છલોછલ અને 43 હાઈ એલર્ટ પર

ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન પડેલા સારા વરસાદને કારણે રાજ્યના જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. રાજ્યના 206 ડેમોમાં સરેરાશ જળસ્તર 69.96 ટકા પર પહોંચ્યું છે, જે સંતોષકારક સ્થિતિ દર્શાવે છે.

રાજ્યના 43 જળાશયોમાં જળસ્તર 90 ટકાથી વધુ થઈ જતાં તેમને હાઈ એલર્ટ હેઠળ રાખવામાં આવ્યા છે. 28 જળાશયો હાલ સંપૂર્ણપણે છલોછલ છે. આ ઉપરાંત, 39 જળાશયોમાં 70થી 100 ટકા વચ્ચે, 25 જળાશયોમાં 50થી 70 ટકા વચ્ચે અને 41 જળાશયોમાં 25થી 50 ટકા વચ્ચે જળસ્તર નોંધાયું છે. હજુ 73 જળાશયોમાં જળસ્તર 25 ટકાથી નીચું છે.

જિલ્લાવાર વિગતો જોઈએ તો ભાવનગરના પાંચ, અમરેલીના ચાર અને બોટાદ, દાહોદ, નર્મદા, નવસારી તેમજ રાજકોટના બે-બે જળાશયો છલોછલ ભરાયા છે. કચ્છ, મહીસાગર, અરવલ્લી, સુરત, સુરેન્દ્રનગર અને તાપીના એક-એક જળાશય પણ છલોછલ ડેમોમાં સામેલ છે.

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 75.65 ટકા જળસ્તર નોંધાયેલું છે. તુલના કરીએ તો, 11 સપ્ટેમ્બરના રોજ રાજ્યના જળાશયોમાં સરેરાશ જળસ્તર 65.29 ટકા હતું અને સરદાર સરોવરમાં 63.23 ટકા જળસ્તર હતું. આમ, માત્ર એક સપ્તાહમાં જ રાજ્યના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે.

ડેમો છલકાતાં ભાવનગર, અમરેલી સહિતના જિલ્લાઓના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતા સુધરી છે.