સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થું 3% વધાર્યું, 8.82 લાખ કર્મચારી-પેન્શનરોને ફાયદો

ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થું 3% વધાર્યું, 8.82 લાખ કર્મચારી-પેન્શનરોને ફાયદો

ગાંધીનગર: દિવાળી પહેલાં ગુજરાત સરકારે રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપી છે. સરકારે મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ વધારા સાથે DA 60 ટકાથી વધીને 63 ટકા થશે.

આ નિર્ણયથી રાજ્યના 8.82 લાખથી વધુ કર્મચારી અને પેન્શનરોને સીધો આર્થિક લાભ મળશે. જેમાં 4 લાખથી વધુ કાર્યરત કર્મચારીઓ અને 4.82 લાખ જેટલા પેન્શનરોનો સમાવેશ થાય છે. આ વધારો રાજ્ય સરકારના કર્મચારીઓ ઉપરાંત પંચાયત સેવાના કર્મચારીઓને પણ લાગુ પડશે.

ઉલ્લેખનીય છે કે, મે 2026માં 7મા પગારપંચ હેઠળ DAમાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો, જેથી ભથ્થું 58 ટકાથી વધીને 60 ટકા થયું હતું. હવે આ 3 ટકાના વધારા સાથે DA 63 ટકા થશે. ઉદાહરણ તરીકે, જે કર્મચારીનો મૂળ પગાર ₹30,000 છે, તેને અત્યાર સુધી 60 ટકા લેખે ₹18,000 DA મળતું હતું. હવે 63 ટકા લેખે ₹18,900 મળશે, એટલે કે દર મહિને ₹900નો વધારો થશે.

સરકારી કર્મચારી સંગઠનોએ લાંબા સમયથી આ વધારાની માંગ કરી હતી. સત્તાવાર પરિપત્ર અને અમલીકરણની તારીખની જાહેરાત કેબિનેટની મંજૂરી બાદ ટૂંક સમયમાં કરવામાં આવશે.

બીજી તરફ, તહેવારોને ધ્યાનમાં રાખીને રજાઓ અંગે પણ નિર્ણય લેવાયો છે. 9 નવેમ્બરે જાહેર રજા રહેશે, જ્યારે તેની ભરપાઈ રૂપે 12 ડિસેમ્બરના શનિવારે તમામ સરકારી કચેરીઓ ચાલુ રાખવામાં આવશે.