સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં સાયબર ક્રાઈમમાં ભારે વધારો: 2016માં 362 કેસ, 2026માં 1 લાખથી વધુ

ગુજરાતમાં સાયબર ક્રાઈમમાં ભારે વધારો: 2016માં 362 કેસ, 2026માં 1 લાખથી વધુ

ગુજરાતમાં સાયબર ક્રાઈમના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. વર્ષ 2016માં રાજ્યમાં સાયબર ક્રાઈમના 362 કેસ નોંધાયા હતા, જે 2026માં વધીને 1 લાખથી વધુ થઈ ગયા છે. કોરોનાકાળ દરમિયાન ઓનલાઈન વ્યવહારોમાં થયેલા વધારાને કારણે ઠગાઈના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

ગુજરાત પોલીસ 2019થી સાયબર ક્રાઈમ સામે સક્રિય છે, તેમ છતાં લોકજાગૃતિના અભાવે સાયબર ગઠિયાઓ ફાવી રહ્યા છે. ચાઈનીઝ ગઠિયાઓ કમ્બોડિયા, મ્યાનમાર જેવા દેશોમાંથી કોલ સેન્ટર ચલાવીને યુવાનોને છેતરી રહ્યા છે.

એક સમય હતો જ્યારે દિવાળીમાં ઘર બંધ હોય ત્યારે ઘરફોડ ચોરી ન થાય તે માટે તકેદારી રખાતી. સમય બદલાતાં હવે બેન્ક ખાતાંમાંથી ઓનલાઈન ચોરી ન થાય તે માટે સતર્ક રહેવું પડે છે. ગુજરાતમાં ઓનલાઈન છેતરપિંડીનું સાયબર ક્રાઈમ વર્ષ 2015-16ના અરસામાં શરૂ થયું હતું. 2026માં દશકો થયો છે ત્યારે સાયબર ચીટિંગનું નેટવર્ક આંતરરાષ્ટ્રીય અને બેકાબૂ બની ચૂક્યું છે.

જાણકારો કહે છે કે વર્ષ 2020થી કોરોનાના બે વર્ષના સમયગાળામાં ઓનલાઈન વ્યવહારો વધતાં સાયબર ગઠિયાઓને ફાયદો થયો હતો. ઓનલાઈન અને મોબાઈલ ફોન પર બેન્કિંગ કામગીરીનો પૂરતો અનુભવ ન ધરાવતા નાગરિકો આજે સાયબર ઠગાઈનો ભોગ બની રહ્યા છે. ગુજરાત પોલીસ 2019થી સાયબર ક્રાઈમ સામે સક્રિય છે, પણ લોકજાગૃતિના અભાવે ગઠિયાઓ ફાવી રહ્યા છે.

ઇન્ટરનેટ અને આધુનિક મોબાઈલ ફોનના વ્યાપ વધવા સાથે સાયબર ઠગાઈના કિસ્સામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હજારો રૂપિયાથી કરોડો રૂપિયા સુધીની ઓનલાઈન ઠગાઈના દર વર્ષે એક લાખથી વધુ કેસ ગુજરાત પોલીસ પાસે કોરોના પછીથી આવી રહ્યા છે. એ વાત અલગ છે કે આમાંથી નોંધપાત્ર ગુના જ પોલીસ ચોપડે ચડી રહ્યા છે.

જાણકાર પોલીસ અધિકારી સૂત્રો કહે છે કે વર્ષ 2015-16ના ગાળામાં સાયબર ક્રાઈમ અંગે સ્થાનિક પોલીસ આશંકિત રહેતી હતી. પોલીસ જ નહીં, ભોગ બનનારની વાત તેમના નજીકના લોકો પણ માનવા તૈયાર નહોતા. વર્ષ 2016માં ગુજરાતમાં સાયબર ક્રાઈમના 362 ગુના નોંધાયા હતા. વર્ષ 2019 સુધી ગુજરાતમાં પ્રતિવર્ષ સાયબર ક્રાઈમનો આંક 800થી વધ્યો નહોતો. પરંતુ કોવિડ-19 એટલે કે વર્ષ 2019ના અંત ભાગમાં કોરોના આવ્યો તે પછી વર્ષ 2020 સાયબર ચીટિંગમાં ઉછાળા માટે કારણભૂત બન્યું. જો કે, આ શરૂઆત પહેલાં ગુજરાત પોલીસ સક્રિય બની ચૂકી હતી અને સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ હેઠળ વર્ષ 2020માં હેલ્પલાઈન પણ શરૂ કરી હતી.

વર્ષ 2020માં ગુજરાતમાં સાયબર ક્રાઈમના કુલ 1,283 ગુના નોંધાયા હતા. કોરોનાના પગલે લોકો ઘરોમાં કેદ થતાં બે વર્ષ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ વધ્યો સાથે જ ઓનલાઈન બેન્કિંગ પણ વધ્યું. અનેક લોકોએ પોતાના મોબાઈલ ફોનથી બેન્કિંગ અને ઓનલાઈન ખરીદી અને ચૂકવણીઓ શરૂ કરી. આ વર્ષો દરમિયાન ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપનો ઉપયોગ વધવા સાથે જ બ્લેકમેલિંગ, નકલી પ્રોફાઈલ બનાવવી, નકલી એકાઉન્ટ બનાવવા, મહિલાઓની પ્રોફાઈલ મોર્ફ કરી બદનામી અને સ્ટોકિંગ સહિતની ગુનાખોરીમાં ઉછાળો આવ્યો.

વીતેલા ચાર વર્ષ દરમિયાન ડિજિટલ ફ્રોડ આચરવા ચાઈનીઝ ગઠિયાઓ સક્રિય બન્યા છે અને કમ્બોડિયા, મ્યાનમાર, રશિયા સહિતના દેશોમાં કોલ સેન્ટર ખોલીને ભારતમાંથી યુવકો, યુવતીઓને નોકરીના બહાને બોલાવી બંધક રાખી છેતરપિંડીના કોલ, મેસેજ કરવામાં આવી રહ્યા છે. હવે તો સાયબર ગઠિયાઓ કયા સ્વરૂપે મેસેજ મોકલે અને છેતરપિંડીના માયાજાળમાં ફસાઈ જવાય તે કોઈ નિશ્ચિતપણે કહી શકતું નથી.