ગુજરાતમાં ભ્રષ્ટાચારના કિસ્સા સતત વધી રહ્યા છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની સત્તાવાર માહિતી મુજબ, છેલ્લા એક વર્ષમાં રાજ્યના 152 સરકારી કર્મચારીઓ અને 21 ખાનગી વ્યક્તિઓ સહિત કુલ 173 લોકોને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે. આ લોકોએ મળીને કુલ રૂ. 13 કરોડની લાંચ લીધી હતી.
આંકડા દર્શાવે છે કે સૌથી વધુ લાંચ ગૃહ વિભાગના કર્મચારીઓએ લીધી છે. આ વિભાગના 29 કર્મચારીઓએ રૂ. 2.64 કરોડની લાંચ લીધી હતી. તે પછી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના 16 કર્મચારીઓએ રૂ. 2 કરોડની લાંચ લીધી હોવાનું જાણવા મળે છે.
એસીબીની કાર્યવાહીમાં મહેસૂલ વિભાગના 23 કર્મચારી અને 18 ખાનગી વ્યક્તિઓ સહિત 41 લોકોએ રૂ. 1 કરોડની લાંચ લીધી હતી. પંચાયત વિભાગમાં 21 કર્મચારી અને ખાનગી મળીને કુલ 50, આરોગ્ય વિભાગમાં 4 કર્મચારી અને 4 ખાનગી સહિત 8, તથા શિક્ષણ વિભાગના 4 કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઉર્જા વિભાગના 6, ઉદ્યોગ વિભાગના 5, કૃષિ વિભાગના 4, શહેરી વિકાસ વિભાગના 16 કર્મચારી સહિત કુલ 33 લોકો, નર્મદા વિભાગના 7 અને નાણાં વિભાગના 4 તેમજ કેન્દ્ર સરકારના 21 કર્મચારીઓ લાંચ લેતા પકડાયા છે.
ઉલ્લેખનીય છે કે, ફરિયાદ મળ્યા પછી જ એસીબી કાર્યવાહી કરે છે. જેટલા લોકો પકડાયા છે તેમની સંખ્યા હજારોમાં હોઈ શકે છે, એવી ચર્ચા લોકોમાં છે. સરકારી કચેરીઓમાં લાંચ વગર કામ ન થવાની સ્થિતિ પર પ્રજાનો રોષ વ્યક્ત થઈ રહ્યો છે.