ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસે સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. પાર્ટીએ ગુજરાતના પ્રભારી બદલીને રણદીપસિંહ સુરજેવાલાને જવાબદારી સોંપી છે. અગાઉના પ્રભારી મુકુલ વાસનિકને આ પદ પરથી મુક્ત કરાયા છે.
સૂત્રો અનુસાર, મુકુલ વાસનિકે પોતે જ હાઈકમાન્ડને આ જવાબદારીમાંથી મુક્ત કરવાની રજૂઆત કરી હતી. તેમની રજૂઆતને ધ્યાનમાં રાખીને પાર્ટીએ આ નિર્ણય લીધો છે. મુકુલ વાસનિક AICCના મહાસચિવ પદ પર યથાવત રહેશે.
રણદીપસિંહ સુરજેવાલા હાલ રાજ્યસભા સાંસદ છે. તેમને ગુજરાત ઉપરાંત કર્ણાટકના પ્રભારીની પણ વધારાની જવાબદારી સોંપાઈ છે.
આ ઉપરાંત કોંગ્રેસે અન્ય છ રાજ્યોના પ્રભારી પણ બદલ્યા છે. છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને પંજાબના પ્રભારી પદેથી હટાવી આસામની જવાબદારી સોંપાઈ છે. સચિન પાયલોટને પંજાબના નવા પ્રભારી બનાવાયા છે.
પાર્ટી દ્વારા જારી કરાયેલી યાદી અનુસાર, સુખદેવ ભગતને છત્તીસગઢના નવા પ્રભારી નિયુક્ત કરાયા છે. ડૉ. સિરિવેલ્લા પ્રસાદને મહારાષ્ટ્ર અને પી.વી. મોહનને આંધ્રપ્રદેશના પ્રભારી બનાવાયા છે. આ તમામ નિમણૂંકો પાર્ટી અધ્યક્ષની મંજૂરી બાદ તાત્કાલિક અમલમાં આવી છે.
ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીએ આ ફેરફારો કર્યા હોવાનું માનવામાં આવે છે. રણદીપસિંહ સુરજેવાલાને ગુજરાતમાં પાર્ટીનું સંગઠન મજબૂત કરવાની જવાબદારી સોંપાઈ છે.