સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાત કોંગ્રેસમાં ફેરબદલી: પ્રભારી પછી બે સહ-પ્રભારી પણ જશે?

ગુજરાત કોંગ્રેસમાં ફેરબદલી: પ્રભારી પછી બે સહ-પ્રભારી પણ જશે?

નવી દિલ્હી: ગુજરાત કોંગ્રેસને નવો દાવ આપવા માટે પાર્ટી હાઈકમાન્ડે સક્રિયતા વધારી છે. નિષ્ક્રિયતાના આરોપો વચ્ચે પ્રભારી મુકુલ વાસનિકને હટાવીને યુવા નેતા રણદીપ સિંહ સુરજેવાલાને નવા પ્રભારી બનાવવામાં આવ્યા છે. દિલ્હીમાં નવા પ્રભારી સાથે બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

હવે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, હાઈકમાન્ડ ગુજરાત કોંગ્રેસના બે સહ-પ્રભારીઓ સુહાસીની યાદવ અને રામકિશન ઓઝાને પણ પદ પરથી હટાવવાની તૈયારીમાં છે. નવા સહ-પ્રભારીઓની નિમણૂક બાદ પ્રદેશ કોંગ્રેસના સમગ્ર માળખાને નવો ઓપ આપવાની ચર્ચા છે.

પૂર્વ પ્રભારી મુકુલ વાસનિકની કામગીરીથી હાઈકમાન્ડ અને ખાસ કરીને રાહુલ ગાંધી નારાજ હોવાનું જણાય છે. વાસનિક મોટે ભાગે ટૂંકી મુલાકાતે જ ગુજરાત આવતા હતા, જેમાં ઘણી વખત બપોરે આવીને સાંજે પરત ફરી જતા. આને કારણે ગ્રાઉન્ડ લેવલ પર સંગઠન નબળું પડ્યું હોવાનું મનાય છે.

કોંગ્રેસના મુખ્ય ચૂંટણી વ્યૂહરચનાકાર સુનિલ કાનુગોલુના આંતરિક રિપોર્ટમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નિષ્ફળતા માટે સંગઠનમાં નિષ્ક્રિય નેતાઓને મહત્ત્વ આપવાનું કારણ દર્શાવાયું છે. રિપોર્ટમાં જમીની સ્તરે પ્રભાવ ન ધરાવતા નેતાઓની સમિતિઓમાં નિમણૂક અને આડકતરી સાંઠગાંઠના આરોપી સિનિયર નેતાઓને બાજુ પર રાખવાની ભલામણ કરાઈ છે.

હવે ગુજરાતમાં ભાજપના મજબૂત પ્રચાર તંત્ર સામે ટક્કર લેવા કોંગ્રેસે મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ પર આક્રમક પ્રચાર કરવાની નવી વ્યૂહરચના ઘડી છે. આ બદલાવની વિધાનસભા ચૂંટણી પહેલાં શું અસર પડશે, તે જોવું રહ્યું.