ગુજરાત કોંગ્રેસના સંગઠન માળખામાં ફરી એકવાર મોટા ફેરફારની શક્યતા છે. પક્ષે છ જિલ્લામાં નવા જિલ્લા પ્રમુખોની પસંદગી માટે પ્રક્રિયા શરૂ કરી છે. આ જિલ્લાઓમાં અમરેલી, બનાસકાંઠા, પંચમહાલ, અરવલ્લી, મોરબી અને વડોદરાનો સમાવેશ થાય છે. નવા પ્રમુખોની પસંદગી માટે AICC દ્વારા નિરીક્ષકોની પણ નિમણૂક કરવામાં આવી છે.
અમરેલીમાં હાલ પ્રતાપ દુધાત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે. જોકે, છેલ્લા એક વર્ષથી તેઓ સંગઠનની પ્રવૃત્તિઓમાં સક્રિય જોવા મળ્યા નથી. જૂનાગઢના ગિરનાર ખાતે યોજાયેલી કોંગ્રેસની સમીક્ષા બેઠકમાં પણ તેમની ગેરહાજરી રહી હતી. સંગઠનની કામગીરીમાં આગળ વધવાની તેમની ઇચ્છા ન હોવાને પગલે નવા પ્રમુખની પસંદગીની ચર્ચા થઈ રહી છે.
બનાસકાંઠામાં જિલ્લા વિભાજન બાદ બનાસકાંઠા અને વાવ-થરાદ અલગ જિલ્લા બન્યા છે. વાવ-થરાદના પ્રમુખ તરીકે ગુલાબસિંહ રાજપૂત છે, જ્યારે બનાસકાંઠા માટે નવા પ્રમુખની પસંદગીની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
અરવલ્લીમાં હાલના જિલ્લા પ્રમુખ અરુણ પટેલ અંગે વિવાદ સામે આવતાં નવા પ્રમુખની પસંદગીની પ્રક્રિયા શરૂ થવાની શક્યતા છે. પંચમહાલમાં પૂર્વ જિલ્લા પ્રમુખ ભાજપમાં જોડાયા બાદ સંગઠન માટે નવા નેતાની પસંદગી જરૂરી બની છે. મોરબીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલિયાના અવસાન બાદ નવા પ્રમુખની નિમણૂક થશે. વડોદરામાં પણ નવા જિલ્લા પ્રમુખની પસંદગી માટે પ્રક્રિયા આગળ વધારવામાં આવી રહી છે.