સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં CNGના ભાવમાં 5 રૂપિયાનો વધારો: આજ રાતથી નવો ભાવ લાગુ, જાણો કારણ

ગુજરાતમાં CNGના ભાવમાં 5 રૂપિયાનો વધારો: આજ રાતથી નવો ભાવ લાગુ, જાણો કારણ

અમદાવાદ: ગુજરાતમાં સીએનજી (CNG) વાહનચાલકો માટે એક વધુ આર્થિક ફટકો પડ્યો છે. અદાણી ગ્રુપ બાદ હવે ગુજરાત એનર્જી (ગુજરાત ગેસ)એ પણ CNGના ભાવમાં પ્રતિ કિલોએ 5 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારા સાથે CNGનો ભાવ 88.76 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 93.76 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. નવો ભાવ આજ રાતથી લાગુ થશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત એનર્જી દ્વારા 18 ઓગસ્ટના રોજ પણ CNGના ભાવમાં 3.75 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે ભાવ 85.01 રૂપિયાથી વધીને 88.76 રૂપિયા થયો હતો. એટલે કે ચાર મહિના બાદ ફરી એકવાર ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

આ પહેલા અદાણી ગેસે પણ 13 દિવસમાં બે વાર ભાવ વધારો કર્યો હતો. 23 ઓક્ટોબરે પ્રતિ કિલો 4.45 રૂપિયા અને 5 નવેમ્બરે 2.03 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે ભાવ 100 રૂપિયાને પાર થઈને 100.77 રૂપિયા થયો હતો.

સતત ભાવ વધારાના કારણે હવે CNG અને પેટ્રોલના ભાવ લગભગ સમાન થઈ ગયા છે. દિવાળી બાદ મોંઘવારીના માર વચ્ચે CNGના ભાવમાં થયેલા આ વધારાથી કાર, રિક્ષા અને ટેક્સી ચાલકોને વધુ ખર્ચ કરવો પડશે.

CNGના ભાવ વધારા પાછળ કંપનીએ આપેલા કારણોમાં ગેસ ખરીદીના ખર્ચમાં નોંધપાત્ર વધારો, નવા કૂવાના ગેસ અને હાઈ-પ્રેશર હાઈ-ટેમ્પરેચર (HPHT) ગેસની ઓછી પ્રાપ્તિ તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં એલએનજી (LNG)ના ઊંચા ભાવોનો સમાવેશ થાય છે. સ્થાનિક કુદરતી ગેસ (NWG)ની ફાળવણીમાં ઘટાડો અને પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રો માટે HPHT ગેસના ક્વોટામાં કપાત પણ ભાવ વધારાનું કારણ છે. વૈશ્વિક બજારમાં સ્પોટ LNGના ભાવ ફેબ્રુઆરી 2026માં 10-12 ડોલર પ્રતિ MMBtu હતા, જે હાલ વધીને 30 ડોલર પ્રતિ MMBtu સુધી પહોંચ્યા છે.

કંપનીએ જણાવ્યું છે કે ગ્રાહકોને અવિરત પુરવઠો મળતો રહે તે માટે અને ખરીદી ખર્ચના ભારણને આંશિક રીતે સરભર કરવા માટે આ મર્યાદિત અને માપસરનો ભાવ ફેરફાર કરવો જરૂરી બન્યો છે.