સત્ય. સાહસ. સંકલ્પ.

નવરાત્રિ પહેલા મુખ્યમંત્રીની મોટી ભેટ: 27 જિલ્લામાં 136 ગ્રામહાટ અને 18 હજાર ગામોમાં મહિલા મિલ્ક પાર્લર

નવરાત્રિ પહેલા મુખ્યમંત્રીની મોટી ભેટ: 27 જિલ્લામાં 136 ગ્રામહાટ અને 18 હજાર ગામોમાં મહિલા મિલ્ક પાર્લર

રાજકોટ: નવરાત્રિના તહેવાર પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની બહેનોને મોટી ભેટ આપી છે. તેમણે રાજ્યના 27 જિલ્લામાં બસ સ્ટેશનો પર સખીમંડળ સંચાલિત 136 ગ્રામહાટનું રાજકોટથી ઈ-લોકાર્પણ કર્યું. આ સાથે મહિલાલક્ષી અનેક પહેલો સાથે ત્રિદિવસીય સરસ મેળાનો પણ શુભારંભ કરાવ્યો.

બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર સ્વસહાય જૂથની બહેનોના ઉત્પાદનના વેચાણ માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેથી ગ્રામ્ય વિસ્તારની બહેનોની હસ્તકલા, ઉત્પાદનો અને ગૃહ ઉદ્યોગની ખાદ્ય સામગ્રીઓને વિશાળ બજાર મળશે અને 'વોકલ ફોર લોકલ' મંત્ર સાર્થક થશે.

કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ રાજ્યના 18 હજાર ગામોમાં મહિલા સંચાલિત મિલ્ક પાર્લર શરૂ કરવાની જાહેરાત કરી. આ માટે જીએલપીસી અને અમૂલ વચ્ચે એમઓયુ થયા છે.

કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને સરકારી યોજનાઓનો વધુને વધુ લાભ લેવા અપીલ કરી. તેમણે કહ્યું કે સરકાર યોજનાઓ જાહેર કરે છે, પરંતુ લોકો તેનો પૂરતો લાભ ઉઠાવતા નથી. બીમારી આવે ત્યારે લોકો આયુષ્યમાન કાર્ડ કઢાવવા દોડાદોડી કરે છે. જો સરકારી યોજનાઓમાં ધ્યાન આપશો તો સરકાર હંમેશા નાગરિકોની સાથે ખડેપગે ઉભી રહેશે તેવો નિર્ધાર પણ તેમણે વ્યક્ત કર્યો.