સત્ય. સાહસ. સંકલ્પ.

અંબાજી, દ્વારકા અને સોમનાથનાં સર્કિટ હાઉસ ખાનગી હાથમાં, 1.5 કરોડમાં સંચાલન સોંપાયું

અંબાજી, દ્વારકા અને સોમનાથનાં સર્કિટ હાઉસ ખાનગી હાથમાં, 1.5 કરોડમાં સંચાલન સોંપાયું

ગુજરાત સરકારે રાજ્યનાં ત્રણ મહત્વનાં ધાર્મિક સ્થળો — અંબાજી, દ્વારકા અને સોમનાથ — ખાતેનાં સર્કિટ હાઉસનું સંચાલન પ્રથમ વખત ખાનગી કંપનીને સોંપ્યું છે. 'મેકવે મેનેજમેન્ટ' નામની ખાનગી કંપનીને આશરે 1.5 કરોડ રૂપિયામાં આ ત્રણેય સર્કિટ હાઉસની જવાબદારી આપવામાં આવી છે.

આ ત્રણેય સર્કિટ હાઉસ ચાર વર્ષ પહેલાં જ 50 કરોડ રૂપિયથી વધુના ખર્ચે અને હજારો ચોરસ મીટર જમીન પર આધુનિક સુવિધાઓ સાથે બનાવવામાં આવ્યાં હતાં. દેશ-વિદેશથી દર વર્ષે અંદાજે 1 થી 1 કરોડ શ્રદ્ધાળુઓ અને યાત્રિકો આ સ્થળોએ આવે છે. આ સ્થળોએ સર્કિટ હાઉસની માંગ હંમેશા ઊંચી રહે છે.

માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ, આ ભવ્ય સર્કિટ હાઉસમાં વાર્ષિક સરેરાશ ફક્ત 25 ટકા જ ઓક્યુપન્સી (રૂમનો ઉપયોગ) જોવા મળતી હતી. આથી નવો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ફક્ત 25 ટકા રૂમ સરકારી વી.આઈ.પી. મહેમાનો માટે અનામત રહેશે, જ્યારે બાકીના 75 ટકા રૂમ ખાનગી સંચાલક એજન્સી પોતાની વ્યાપારી નીતિઓ અનુસાર સામાન્ય જનતા કે અન્ય લોકોને ભાડે આપી શકશે.

સરકાર અને શાસક પક્ષના નેતાઓનો દાવો છે કે રૂમ સર્વિસ અને જાળવણીમાં ગુણવત્તા લાવવા માટે આ વ્યવસ્થા જરૂરી હતી. જો કોઈ નાગરિક કે પક્ષ ફરિયાદ કરશે તો ખાનગી કંપનીનું સંચાલન રદ પણ કરી શકાશે તેવી ખાતરી સરકારે આપી છે.

જોકે, વ્યાપારી હોટેલ કે રિસોર્ટની જેમ ખાનગી સંચાલકોને સોંપાયેલાં આ પવિત્ર અતિથિ ગૃહોમાં આગંતુકોની સલામતી, સામાજિક મર્યાદા અને ગરિમા કેટલી જળવાઈ રહેશે તે અંગે પ્રશ્નો ઊઠ્યા છે. રાજ્યભરમાં સરકારી માલિકીનાં કુલ 100 જેટલાં સર્કિટ હાઉસ આવેલાં છે.