સત્ય. સાહસ. સંકલ્પ.

મોબાઇલની લત છોડાવવા ગુજરાતમાં 5 વર્ષમાં 800થી વધુ બાળકોને સારવાર

મોબાઇલની લત છોડાવવા ગુજરાતમાં 5 વર્ષમાં 800થી વધુ બાળકોને સારવાર

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં મોબાઇલની લત છોડાવવા માટે 800થી વધુ બાળકોને સરકારી માનસિક આરોગ્ય હોસ્પિટલના ડિજિટલ ડિટોક્સ સેન્ટરમાં સારવાર લેવી પડી છે. સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાનો વ્યાપ ઝડપથી વધતાં બાળકોમાં મોબાઇલનું વળગણ ગંભીર સમસ્યા બની રહ્યું છે. તેના કારણે બાળકોમાં માનસિક તણાવ વધી રહ્યો છે અને આત્મહત્યા જેવા બનાવો પણ સામે આવી રહ્યા છે.

સુરતના વરાછા વિસ્તારમાં ધોરણ-5માં અભ્યાસ કરતી 11 વર્ષની વિદ્યાર્થિનીએ માતાએ ફોન ન આપતાં ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે મૃતક બાળકીના માતા ખુદ સિવિલ હોસ્પિટલના ડિજિટલ ડિટોક્સ યુનિટમાં કામ કરે છે. બીજા એક બનાવમાં સુરતમાં જ 13 વર્ષના બાળકે રાત્રિભોજન સમયે માતાએ ગેમ બંધ કરવાનું કહેતાં આત્મહત્યા કરી લીધી હતી. આ ઉપરાંત છત્રપતિ સંભાજીનગરમાં આઈફોન બાબતે વિવાદ થતાં 18 વર્ષના કિશોરે પણ આત્યંતિક પગલું ભર્યું હતું.

અમદાવાદની સરકારી માનસિક આરોગ્ય હોસ્પિટલમાં શરૂ કરાયેલા ડિજિટલ ડિટોક્સ સેન્ટરની ઓપીડીમાં આ વર્ષે માત્ર 8 મહિનામાં 188 બાળકો નોંધાઈ ચૂક્યા છે. આ સેન્ટરમાં દર મહિને સરેરાશ 25 બાળકો મોબાઇલનું વળગણ છોડાવવા સારવાર માટે આવે છે. બીજી તરફ, ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં અભયમ હેલ્પલાઇનને કુલ 3,705 ફોન કોલ્સ મળ્યા છે. જેમાંથી 16 વર્ષ સુધીના બાળકોના પેરેન્ટિંગ ઇશ્યુના 110 કેસ નોંધાયા છે.

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. અજય ચૌહાણ અને મનોચિકિત્સક ડૉ. દિપ્તી ભટ્ટે જણાવ્યું હતું કે મોબાઇલનો અતિશય ઉપયોગ લત કે વ્યસન સમાન છે. બાળકોને માત્ર કડક નિયમો કે સજાથી આ લતથી દૂર કરી શકાતા નથી. માતા-પિતાએ બાળક સાથે બેસીને વાત્સલ્યપૂર્વક વાત કરવી, તેની મુશ્કેલીઓ સમજવી અને પરિવાર સાથે ગુણવત્તાસભર સમય વધારવો એ આ સમસ્યાનો સૌથી અસરકારક ઉપાય છે.