ગુજરાતમાં બાળકો અને કિશોરોમાં ડાયાબિટીસનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. 10થી 19 વર્ષના બાળકોમાં 2.9% ડાયાબિટીસ જોવા મળ્યો છે, જે દેશની સરેરાશ 0.6% કરતાં પાંચ ગણો વધુ છે. વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે સામે આવેલા આ આંકડા બાળઆરોગ્ય માટે ગંભીર પડકાર ઊભો કરે છે. શહેરી વિસ્તારોમાં આ પ્રમાણ વધુ છે. નિષ્ણાતો નિયમિત કસરત અને સંતુલિત આહારની ભલામણ કરે છે.
ડાયાબિટીસ હવે માત્ર મોટી ઉંમરના લોકો પૂરતો મર્યાદિત રોગ રહ્યો નથી. બાળકો અને કિશોરોમાં પણ આ બીમારીનું જોખમ વધી રહ્યું છે. ગુજરાતમાં 10થી 19 વર્ષનાં બાળકોમાં ડાયાબિટીસનું પ્રમાણ 2.9 ટકા નોંધાયું છે, જે દેશની 0.6 ટકાની સરેરાશ કરતાં લગભગ પાંચ ગણું વધારે છે. એટલે કે ગુજરાતમાં દર 100માંથી સરેરાશ 3 બાળકો ડાયાબિટીસથી પ્રભાવિત છે. વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે સામે આવેલા આ આંકડા બાળઆરોગ્ય સામે ઊભા થઈ રહેલા ગંભીર પડકાર તરફ ધ્યાન દોરે છે.
દર વર્ષે 14 નવેમ્બરના રોજ વર્લ્ડ ડાયાબિટીસ ડેની ઉજવણી કરવામાં આવે છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS)-5ના રિપોર્ટ મુજબ ગુજરાતમાં 15 વર્ષથી વધુ ઉંમરના 16 ટકા પુરુષો અને 14.8 ટકા મહિલાઓમાં બ્લડ શુગરનું સ્તર ઊંચું અથવા ખૂબ ઊંચું છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ગ્રામીણ વિસ્તારોની સરખામણીએ શહેરી વિસ્તારોમાં પુરુષો અને મહિલાઓ બંનેમાં ડાયાબિટીસનું પ્રમાણ વધારે છે. ચિંતાજનક બાબત એ છે કે રાજ્યમાં દર પાંચમાંથી એક બાળકના લોહીમાં શુગરનું પ્રમાણ પ્રિ-ડાયાબિટીસની સ્થિતિ સૂચવે છે. આ સ્થિતિ ભવિષ્યમાં ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે. તેથી બાળકોમાં બ્લડ શુગરની સમસ્યાને સમયસર ઓળખવી અને જરૂરી સારવાર શરૂ કરવી અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
ખાસ કરીને ટાઇપ-1 ડાયાબિટીસમાં સમયસર નિદાન ન થાય તો ડાયાબિટીક કીટોએસિડોસિસ જેવી ગંભીર અને જીવલેણ સ્થિતિ ઊભી થઈ શકે છે. બાળકોમાં વારંવાર પેશાબ આવવો, કોઈ કારણ વગર વજન ઘટવું, સતત થાક લાગવો અને વારંવાર ભૂખ લાગવી જેવાં લક્ષણો જોવા મળે તો તેને સામાન્ય શારીરિક ફેરફાર સમજીને અવગણવા ન જોઈએ. આવા સંજોગોમાં તબીબી તપાસ કરાવવી જરૂરી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને અમેરિકન હાર્ટ એસોસિએશનના માર્ગદર્શન પ્રમાણે બે વર્ષથી નાનાં બાળકોને ખોરાકમાં બહારથી ઉમેરેલી ખાંડ આપવી જોઈએ નહીં. જ્યારે 2થી 18 વર્ષની વયનાં બાળકો માટે દરરોજ વધુમાં વધુ 25 ગ્રામ એટલે કે લગભગ 6 નાની ચમચી ઉમેરેલી ખાંડની મર્યાદા સૂચવવામાં આવી છે. ડાયાબિટીસ ધરાવતાં બાળકોએ ડૉક્ટર અને ડાયેટિશિયનની સલાહ પ્રમાણે કાર્બોહાઇડ્રેટ્સ તથા કુદરતી શુગરનું પ્રમાણ નક્કી કરવું જોઈએ. પ્રોસેસ્ડ શુગરથી દૂર રહેવું પણ હિતાવહ છે.
એન્ડોક્રિનોલોજિસ્ટ ડૉ. રમેશ ગોયેલના જણાવ્યા અનુસાર બાળકોને ડાયાબિટીસથી બચાવવા માટે જીવનશૈલીમાં સુધારો કરવો જરૂરી છે. નિયમિત શારીરિક કસરત, સંતુલિત અને પૌષ્ટિક આહાર, ખાંડયુક્ત ખાદ્યપદાર્થો તથા વધુ પડતા પ્રોસેસ્ડ ફૂડના સેવન પર નિયંત્રણ રાખવાથી બાળકોના લાંબા ગાળાના આરોગ્યનું રક્ષણ કરી શકાય છે. આ ઉપરાંત, ડાયાબિટીસનાં લક્ષણો જણાય તો સમયસર તબીબી તપાસ કરાવવી પણ એટલી જ જરૂરી છે.