ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને શાસનના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાત રાજ્ય કેબિનેટની બેઠકમાં વિશેષ આભાર પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. બેઠક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે 7 ઓક્ટોબર 2001ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જનસેવાનું દાયિત્વ સંભાળ્યું હતું. ત્યારથી આજ સુધી તેમણે સતત 25 વર્ષ સુધી રાજ્ય અને દેશની સેવા કરી છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન મોદી 'જનસેવા એ જ પ્રભુ સેવા' અને 'જનસેવા એ જ જીવન સાધના'ના મંત્ર સાથે કામ કરે છે. તેમણે ભૂતકાળ યાદ કરતાં જણાવ્યું કે એક સમયે દેશ 'પોલિસી પેરાલિસિસ'ની સ્થિતિમાં હતો, જે આજે સુશાસનના ઉદાહરણમાં બદલાઈ છે.
વર્ષ 2001માં જ્યારે નરેન્દ્ર મોદીએ શાસન સંભાળ્યું ત્યારે ગુજરાત સામે ભૂકંપ, વીજળી અને પાણીની ગંભીર સમસ્યાઓ જેવા મોટા પડકારો હતા. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે તેમણે દરેક પડકારને અવસરમાં ફેરવ્યો. તેમના નેતૃત્વમાં કચ્છ સુધી નર્મદાનું પાણી પહોંચ્યું અને ગુજરાત વિકાસનું રોલ મોડલ બન્યું. ગુજરાતમાં શરૂ થયેલા 'નિર્મળ ગુજરાત' અભિયાને આગળ જતાં દેશવ્યાપી 'સ્વચ્છ ભારત મિશન'નું સ્વરૂપ લીધું. આજે ગુજરાત સેમીકોન હબ તરીકે આગળ વધી રહ્યું છે.
મુખ્યમંત્રીએ વડાપ્રધાનના પ્રજાકલ્યાણના કાર્યોની સરાહના કરતાં કહ્યું કે નરેન્દ્ર મોદીએ હંમેશા ગરીબ કલ્યાણને કેન્દ્રમાં રાખ્યું છે. મહિલાઓ માટે ઉજ્જવલા યોજના જેવી યોજનાઓ પારદર્શિતા સાથે છેવાડાના માનવી સુધી પહોંચી છે. યુવાઓ માટે ઇનોવેશન અને કૌશલ્ય વિકાસની નવી તકો ખૂલી છે.
કોવિડ-19ની વૈશ્વિક મહામારી દરમિયાન ભારત સરકારે પોતાના નાગરિકોનું રક્ષણ કર્યું અને વિશ્વના અનેક દેશોને રસી પણ પૂરી પાડી. તેમની આંતરરાષ્ટ્રીય નેતાગીરીને કારણે વિશ્વના 36 દેશોએ તેમને તેમના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા છે. 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના ધ્યેય અને 'વિકસિત ભારત 2047'ના સંકલ્પ માટે તેમણે 'We will do it'નો નારો આપ્યો છે.