રાજ્યમાં છેલ્ડા સમયમાં બનેલા અનેક બ્રિજ અને ફ્લાયઓવર પ્રોજેક્ટમાં ડિઝાઇન અને આયોજનની ખામી સામે આવી છે. તાજેતરમાં એક બ્રિજના ઉદ્ઘાટન બાદ કેપ્સુલ ડિઝાઇન મુકવામાં આવી, જેના કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ. આ બ્રિજ 96.80 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. બ્રિજ બનાવવાની કામગીરી આશિષ બ્રિજકોન નામની એજન્સીને સોંપાઈ હતી, જ્યારે ડિઝાઇન કરનાર એજન્સી ડેલ્ફ અને પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી કસાડ કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડ હતી. આ બ્રિજ રાજ્ય સરકાર અને રેલવે વિભાગના સંયુક્ત ઉપક્રમે બનાવવામાં આવ્યો હતો.
મેયર હિતેશભાઈ બારોટે સ્પષ્ટ કર્યું છે કે બ્રિજની ડિઝાઇનમાં કોઈ ખામી નથી. પરંતુ બ્રિજ બન્યા બાદ તાત્કાલિક કેપ્સુલ ડિઝાઇન તૈયાર કરવામાં ન આવી. જો બ્રિજ બનતાની સાથે જ કેપ્સુલ ડિઝાઇન તૈયાર કરવામાં આવી હોત તો આ પ્રકારની ગેરસમજ ઊભી ન થાત. મેયરે વધુમાં કહ્યું કે, ચાર વર્ષ અગાઉના ગૂગલ અર્થના દ્રશ્યો તપાસવામાં આવે તો જ્યાં આજે બ્રિજ ઊભો છે ત્યાં ચાર વર્ષ પહેલા ખેતર હતું.
આ ઘટના ઔડા અને AMCના અણઘડ આયોજનનું ઉત્તમ ઉદાહરણ છે. બોપલ-ઘુમાને શીલજ સાથે જોડતો રેલવે ઓવર બ્રિજના છેડે દીવાલ આવે છે. પાંચ વર્ષે 80 કરોડના ખર્ચે બ્રિજ બન્યો હતો, જેમાં 50 ટકા રેલવે અને 50 ટકા ઔડાએ ચૂકવ્યા હતા. બ્રિજનો છેડો જ્યાં ઉતરી રહ્યો છે ત્યાં દિવાલ આવી જાય છે. વર્ષ 2019માં બ્રિજ મંજૂર થયો હતો અને વર્ષ 2024માં તૈયાર થયો. આ કામગીરી અજિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની એજન્સીને સોંપાઈ હતી.
મહેસાણાના પ્રવેશ પર બાયપાસ આવે છે જ્યાં ચાર રસ્તા પર લાંબો બ્રિજ બે વર્ષથી બનીને તૈયાર છે, પરંતુ હાઇ વોલ્ટેજ વીજ લાઇનને કારણે લોકાર્પણ નથી કરાતું. 300 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા રોડ પ્રોજેક્ટ અંતર્ગત શિવાલા સર્કલ પાસે એક બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે. બ્રિજના બંને છેડાના ભાગો બનીને તૈયાર થઈ ગયા બાદ પ્રશાસન અને એજન્સીને ભાન થયું કે બ્રિજના બરાબર મધ્યમાંથી હાઇ વોલ્ટેજ વીજ લાઇન પસાર થાય છે. કામગીરી વાગડ કંપનીને સોંપવામાં આવી હતી, પરંતુ સર્જાયેલી મડાગાંઠના કારણે કંપનીએ પણ હવે હાથ અધ્ધર કરી લીધા છે.
ભાવનગર શહેરમાં દેસાઈનગરથી આરટીઓ સર્કલ સુધીનો ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યો. 115 કરોડ રૂપિયાનો ખર્ચ થયો. ફ્લાયઓવરમાંથી પાણીનો ધોરીયો નીચે પડે છે. બ્રિજ બનાવનાર એજન્સીએ પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન કરી.