સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં લાંચની નવી રીત: કન્સલ્ટન્સી ફી અને વચેટિયાઓનો ઉપયોગ, ACBના 275 આરોપી ઝડપાયા

ગુજરાતમાં લાંચની નવી રીત: કન્સલ્ટન્સી ફી અને વચેટિયાઓનો ઉપયોગ, ACBના 275 આરોપી ઝડપાયા

ગુજરાતમાં ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની કાર્યવાહી ચાલુ છે, પણ લાંચ લેવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે. વર્ષ 2026માં અત્યાર સુધીમાં ACBએ 183 ગુના નોંધ્યા છે અને 1.30 કરોડ રૂપિયાની લાંચ સાથે 275 આરોપીઓની ધરપકડ કરી છે.

વિભાગવાર આંકડા જોઈએ તો ગૃહ વિભાગ 48 ગુના સાથે પ્રથમ ક્રમે, પંચાયત વિભાગ 34 ગુના સાથે બીજા અને મહેસૂલ વિભાગ 29 ગુના સાથે ત્રીજા ક્રમે છે.

હવે અધિકારીઓ સીધી લાંચ માંગવાને બદલે ખાનગી વચેટિયાઓ મારફતે કન્સલ્ટન્સી ફી કે પ્રોફેશનલ ચાર્જના નામે નાણાં વસૂલે છે. 2026માં ઝડપાયેલા આરોપીઓમાં 12 ક્લાસ-1, 22 ક્લાસ-2 અને 111 વર્ગ-3ના કર્મચારીઓ ઉપરાંત 127 ખાનગી વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ આંકડો વચેટિયાઓની સક્રિય ભૂમિકા દર્શાવે છે.

લાંચિયાઓને પકડવા કરતાં કોર્ટમાં ગુનો સાબિત કરવો ACB માટે વધુ મુશ્કેલ બન્યો છે. વર્ષ 2010થી 2026 સુધીના 16 વર્ષમાં નોંધાયેલા 1,955 કેસમાંથી માત્ર 606 કેસમાં જ દોષ સાબિત થયો છે, એટલે કે કન્વિક્શન રેટ માત્ર 31 ટકા રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં ફોરેન્સિક અને ટેકનિકલ પુરાવાઓના ઉપયોગથી આ દર સામાન્ય સુધરીને 33 ટકા થયો છે.

ભ્રષ્ટાચાર ડામવા માટે કડક કાર્યવાહી સાથે સરકારી કામકાજમાં પારદર્શિતા લાવવી જરૂરી છે, એમ તજજ્ઞો માને છે.