સત્ય. સાહસ. સંકલ્પ.

સોમનાથ મંદિર અને કમલમને બોમ્બની ધમકી, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનું એલર્ટ અને ગાંધીનગર મનપા ચૂંટણીની તૈયારી

સોમનાથ મંદિર અને કમલમને બોમ્બની ધમકી, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનું એલર્ટ અને ગાંધીનગર મનપા ચૂંટણીની તૈયારી

ગુજરાતમાં આજે અનેક મહત્ત્વની ઘટનાઓ બની. સૌથી ચોંકાવનારી ઘટના સોમનાથ મંદિર અને કોબા સ્થિત કમલમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીની છે. આ ધમકી ઈમેલ દ્વારા મળી હોવાનું જાણવા મળ્યું છે, જેમાં 'અલ્લાહ-હૂ-અકબર' અને 'ખાલિસ્તાન'નો ઉલ્લેખ હતો. પંજાબ પોલીસને આ ઈમેલ મળ્યા બાદ ગુજરાત પોલીસને જાણ કરવામાં આવી છે. ગુજરાત પોલીસે તપાસ શરૂ કરી છે અને સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

બીજી તરફ, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપમાં ઉમેદવારોની પસંદગી માટે મંથન શરૂ થઈ ગયું છે. ત્રણ સ્થળે સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ છે. પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી સહિતના ત્રણ નિરીક્ષક દાવેદારોને સાંભળશે. આ પ્રક્રિયા આગામી દિવસોમાં ચાલુ રહેશે.

અમદાવાદના સીટીએમ વિસ્તારની બ્રાઈટ અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં ધોરણ 4ના વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીને 'આઈ લવ યુ' લખેલી ચિઠ્ઠી આપી. જ્યારે આ વાત શિક્ષકને જાણ થઈ, ત્યારે શિક્ષકે વિદ્યાર્થીને ફૂટપટ્ટીથી ફટકાર્યો. બાદમાં વિદ્યાર્થીની માતાએ શિક્ષક અને પ્રિન્સિપાલ સામે ફરિયાદ નોંધાવી છે.

સુરતમાં પદ્મિનીબાએ આક્ષેપ કર્યો છે કે સાંઢિયાપુલ નજીક બેરીકેટ હટાવતા પોલીસે ફરજ રુકાવટની ફરિયાદ નોંધી છે. તેમણે કહ્યું કે પોલીસ બેરીકેટ લગાવતા પ્રજા હેરાન થાય છે, અને વિપક્ષમાં હોવાને કારણે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે ચેતવણી આપી કે 100 ફરિયાદ કરશે તો પણ તેઓ સત્યની સામે લડશે.

ભાદરવી પૂનમ મહામેળા માટે એસટીની 6000 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. 26 સપ્ટેમ્બરે 30 હજાર એક્સ્ટ્રા ટ્રીપનું આયોજન કરાયું છે. પરિવહન મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદથી નવી 180 બસોને લીલીઝંડી આપી છે.

સુરતમાં તૂટેલા રસ્તા પર થીગડાં બાદ નારિયેળ ફોડીને નેતાઓનું ફોટો સેશન યોજાયું. ગોથાણ-ઉમરા માર્ગનું રિપેરિંગ પૂર્ણ થતાં ભાજપ કોર્પોરેટરોએ તેને ફરીથી શરૂ કરાવ્યો, જેથી 25,000થી વધુ વાહનચાલકોને રાહત મળશે.

UPI પેમેન્ટ પર ચાર્જ લાગુ થવાની અફવાથી કાપડ વેપારીઓમાં સળવળાટ થયો છે. 15 ઓક્ટોબરથી UPI પેમેન્ટમાં મોટો ફેરફાર થવાની ચર્ચા વચ્ચે વેપારીઓએ બિલ પરથી ક્યુઆર કોડ દૂર કર્યા છે અને ચેક અને કેશથી વ્યવહાર કરવાની વાત કરી છે.

સુરતના સારોલીમાં અમીષ પટેલ અપમૃત્યુ કેસમાં ન્યાયની માંગ સાથે વિશાળ રેલી કાઢવામાં આવી. પરિવારે કહ્યું કે આ અકસ્માત નહીં પણ હત્યા છે. IGએ કહ્યું કે તપાસ અન્ય અધિકારીને સોંપાશે.

આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નેશનલ ફિલ્મ એવોર્ડ્સ યોજાશે. 72 વર્ષમાં પહેલીવાર નેશનલ એવોર્ડની જગ્યા બદલાઈ છે. આ સમારંભમાં બોલિવૂડ અને સાઉથના સ્ટાર્સનો જમાવડો રહેશે અને મહેમાનોને ગુજરાતી ભોજન પિરસાશે.

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આજથી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડશે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વોલર્માક લો પ્રેશરની અસરથી 40 કિમીની ઝડપે ઠંડા પવન ફૂંકાશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો અલર્ટ આપવામાં આવ્યો છે.