સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ સહિત ગુજરાતમાં બોમ્બની ધમકી, ભાજપ કાર્યાલય ખાતે તપાસ

અમદાવાદ સહિત ગુજરાતમાં બોમ્બની ધમકી, ભાજપ કાર્યાલય ખાતે તપાસ

અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ સ્થળોએ બોમ્બ મૂકવાની ધમકી મળ્યા બાદ રાજ્યની સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. એક અજાણ્યા શખ્સે ઈમેલ મારફતે આ ધમકી આપી છે, જેમાં સોમનાથ મંદિર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ સેન્ટ્રલ ઓફિસ, પોલીસકર્મીઓ અને RAW એજન્સીને નિશાન બનાવવાનો ઉલ્લેખ છે.

ઈમેલની શરૂઆત 'અસલામુ વાલેકુમ, અલ્લાહુ અકબર'થી કરવામાં આવી છે અને અંતમાં પણ 'અલ્લાહુ અકબર' લખ્યું છે. ધમકી આપનારે 'હિન્દુસ્તાન મુર્દાબાદ' અને 'ભાજપ મુર્દાબાદ' જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે, તેમજ 'પાકિસ્તાન ઝિંદાબાદ' અને 'ખાલિસ્તાન ઝિંદાબાદ'ના નારા પણ લખ્યા છે. ઈમેલમાં એવો દાવો કરાયો છે કે અલગ-અલગ સ્થળોએ પહેલેથી જ બોમ્બ ફિટ કરી દેવામાં આવ્યા છે.

આ ધમકીની જાણ અમદાવાદ શહેર પોલીસને થતાં તાત્કાલિક ખાનપુરમાં આવેલા ભાજપ કાર્યાલય ખાતે ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ફાયર બ્રિગેડ, પોલીસ ટીમો અને બોમ્બ સ્કવોડની ટીમોને પણ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. મેયર હિતેશ બારોટ અને શહેર મહામંત્રી ઉમંગભાઈ નાયક પણ ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા.

શાહપુર પોલીસ સ્ટેશનના પીઆઈ પી.બી. ખાંભલાએ જણાવ્યું કે, બોમ્બની ધમકીનો ઈમેલ મળતાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ સાથે તપાસ કરાઈ, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. રાજ્યની તમામ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ એલર્ટ મોડ પર છે અને તપાસ ચાલુ છે.