સત્ય. સાહસ. સંકલ્પ.

ધોરણ 10-12ના ખાનગી વિદ્યાર્થીઓ માટે ખાસ બોર્ડ પરીક્ષા: 30 નવેમ્બરથી 9 ડિસેમ્બર સુધી યોજાશે

ધોરણ 10-12ના ખાનગી વિદ્યાર્થીઓ માટે ખાસ બોર્ડ પરીક્ષા: 30 નવેમ્બરથી 9 ડિસેમ્બર સુધી યોજાશે

ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12ના ખાનગી (એક્સટર્નલ) વિદ્યાર્થીઓ માટે નવેમ્બર-ડિસેમ્બરમાં વિશેષ બોર્ડ પરીક્ષાનું આયોજન કર્યું છે. આ પરીક્ષા 30 નવેમ્બરથી 9 ડિસેમ્બર દરમિયાન જિલ્લા કેન્દ્રો પર લેવાશે. બોર્ડે આ પરીક્ષા માટેનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે.

રાજ્ય સરકારના ડ્રોપઆઉટ દર ઘટાડવાના આયોજનના ભાગરૂપે આ પરીક્ષા પ્રથમ વખત યોજાઈ રહી છે. ઓપન સ્કૂલિંગ હેઠળના એક્સટર્નલ વિદ્યાર્થીઓ માટે ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહની આ ખાસ બોર્ડ પરીક્ષા છે. અગાઉ, રાજ્ય ઓપન સ્કૂલિંગમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા વર્ષમાં માત્ર એક વખત લેવાતી હતી, પરંતુ હવે દર વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં પણ આ પરીક્ષા લેવાશે.

આ પરીક્ષા માટે 34 હજારથી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે. જેમાં ધોરણ 10માં 29,080 અને ધોરણ 12માં 5,075 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. બોર્ડે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી હતી અને બે વખત મુદત વધારી હતી.

આ પરીક્ષાથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ ડ્રોપઆઉટ દર ઘટશે. ખાસ કરીને ધોરણ 8-9 પછી ભણવાનું છોડીને ફેક્ટરીઓ કે કારખાનાઓમાં કામ કરતા યુવાનોને, તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ધોરણ 10 પાસ જરૂરી હોવાથી સંબંધિત ઉમેદવારોને આનો લાભ મળશે. આ ઉપરાંત, ધોરણ 10 પછી આગળ અભ્યાસ કરવા માંગતા અથવા ધોરણ 12 પછી કોલેજમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓને પણ આ પરીક્ષા ઉપયોગી થશે.