સત્ય. સાહસ. સંકલ્પ.

ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા ફીમાં 5% વધારો: ધોરણ 10 માટે ₹445, સાયન્સ માટે ₹760

ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા ફીમાં 5% વધારો: ધોરણ 10 માટે ₹445, સાયન્સ માટે ₹760

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ફેબ્રુઆરી-2027માં યોજાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાની ફીમાં સરેરાશ 5 ટકાનો વધારો કર્યો છે. સ્ટેશનરી અને પરીક્ષા સંલગ્ન અન્ય ખર્ચમાં થયેલા વધારાને પગલે બોર્ડે નવું ફી માળખું જાહેર કર્યું છે.

નવા ફી માળખા મુજબ ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓએ અગાઉ 425 રૂપિયા ફી ભરવાની હતી, જે હવે વધારીને 445 રૂપિયા કરવામાં આવી છે. રિપીટર અને ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓએ અગાઉ 415 રૂપિયાના બદલે હવે 435 રૂપિયા ફી ચૂકવવાની રહેશે.

ધોરણ 12 સાયન્સના નિયમિત વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી 760 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જેમાં 35 રૂપિયાનો વધારો થયો છે. ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં પણ 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

બોર્ડે ધોરણ 10, સંસ્કૃત પ્રથમા તેમજ ધોરણ 12 સાયન્સ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષાનાં આવેદનપત્રો ઓનલાઇન ભરવાની પ્રક્રિયા શરૂ કરી છે. વિદ્યાર્થીઓ નિયમિત ફી સાથે 3 ડિસેમ્બર સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. તમામ નિયમિત, રિપીટર અને ઓપન સ્કૂલના ઉમેદવારોએ ફરજિયાતપણે ઓનલાઇન જ ફોર્મ ભરવાનું રહેશે.

આમ, ફેબ્રુઆરી-2027માં યોજાનારી બોર્ડની પરીક્ષા પહેલાં જ વિદ્યાર્થીઓ અને વાલીઓ પર વધારાનું આર્થિક ભારણ આવશે.