દિવાળી અને નવા વર્ષના પર્વ નિમિત્તે ગુજરાત ભાજપે ગાંધીનગરમાં પ્રદેશ કક્ષાના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રભારી તરુણ ચુગ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાનાર હોવાથી મુખ્યમંત્રીના નિવેદનને રાજકીય રીતે મહત્ત્વનું ગણવામાં આવી રહ્યું છે. તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે, વર્ષ દરમિયાન કોઈનામાં વધઘટ કે મનદુઃખ થયું હોય તો ફરી એકસાથે મળીને સ્નેહ જાળવવાનો આ અવસર છે. ભાજપ પર પ્રજાએ મૂકેલા વિશ્વાસ અને સ્નેહને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ આ સ્નેહમિલનમાં લેવાનો છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, જે કોઈ અસંતુષ્ટ હોય તેમને સંતુષ્ટ કરવાનો પણ સંકલ્પ લેવો જોઈએ. જ્યાં હજુ અંધારું હોય ત્યાં વિકાસનો દીપક પ્રગટાવીને વધુમાં વધુ લોકોનો પ્રેમ જીતવા દિશામાં કામ કરવું જોઈએ. તેમણે જણાવ્યું કે સરકારની તમામ યોજનાઓ કાર્યકર્તાઓએ ઘર-ઘર સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવાનો સંકલ્પ લેવો જોઈએ.
કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય મંત્રી રોહન ગુપ્તાને મુખ્યમંત્રીની બાજુમાં સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અગાઉ રોહન ગુપ્તાને ઓળખતા નથી તેવું નિવેદન આપ્યું હતું. તે પછીના આ કાર્યક્રમમાં તેમને સ્ટેજ પર સ્થાન મળવું રાજકીય ચર્ચાનો વિષય બન્યું છે. રાષ્ટ્રીય મંત્રી તરીકેની જવાબદારી ધ્યાનમાં રાખીને તેમને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
કાર્યક્રમમાં અપેક્ષા પ્રમાણે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરી જોવા મળી ન હતી. કેટલાક કાર્યકર્તાઓ ફોટા પડાવવા અને લાઇવમાં હાજરી નોંધાવવા માટે પહોંચ્યા હોવાની વિગતો પણ સામે આવી છે.
આગામી 22 નવેમ્બરે તમામ વિધાનસભા ક્ષેત્રોમાં સ્નેહમિલન કાર્યક્રમો યોજાનાર હોવાથી આજના કાર્યક્રમમાં ધારાસભ્યોની હાજરી પણ ધ્યાન ખેંચનારી રહી હતી. આમંત્રણ હોવા છતાં મોટાભાગના ધારાસભ્યો અને કેટલાક મંત્રીઓ હાજર રહ્યા ન હતા. ગણતરીના ધારાસભ્યો અને તેમના જૂથના કાર્યકર્તાઓ જ કાર્યક્રમમાં જોવા મળ્યા હતા.
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા અને મનસુખ માંડવીયા સહિતના કેટલાક મોટા નેતાઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા. ગઈ વખતના સ્નેહમિલનમાં આ નેતાઓની હાજરી હતી, તેથી આ વખતે તેમની ગેરહાજરી નોંધપાત્ર ગણાઈ રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન એરપોર્ટ પર તેમની મુલાકાત કરનારા નેતાઓમાંથી આ કાર્યક્રમમાં માત્ર ભૂષણ ભટ્ટ અને પ્રદીપ પરમાર જ હાજર રહ્યા હતા. એરપોર્ટ પર વડાપ્રધાનને મળેલા અન્ય નેતાઓ કાર્યક્રમમાં જોવા મળ્યા ન હતા.