સત્ય. સાહસ. સંકલ્પ.

Jai Shah ICC Chairman, to Anar Patel CM Why Not? Shah-Patel Tussle in Gujarat BJP

Jai Shah ICC Chairman, to Anar Patel CM Why Not? Shah-Patel Tussle in Gujarat BJP

અમદાવાદ: વડાપ્રધાનની ગુજરાત મુલાકાત બાદ રાજ્યના રાજકારણમાં મોટા ફેરફારોની અટકળો તેજ બની છે. ભાજપમાં આનંદીબેન પટેલ અને અમિત શાહ વચ્ચેના આંતરિક જૂથવાદને કારણે રાજકીય ગરમાવો વધ્યો છે. આનંદીબેન પટેલ પોતાની પુત્રી અનાર પટેલને મુખ્યમંત્રી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે અમિત શાહ હર્ષ સંઘવીને મુખ્યમંત્રી બનાવવાની તરફેણમાં હોવાનું કહેવાય છે.

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકેનો આનંદીબેન પટેલનો કાર્યકાળ પૂર્ણ થવાના આરે છે અને તેઓ ગુજરાત પરત ફરે તેવી શક્યતાઓ છે. આ દરમિયાન તેમણે અનાર પટેલને મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે આગળ કરવા માટે ખોડલધામ સંગઠનની મોટી જવાબદારી સોંપી છે. ભૂપેન્દ્ર પટેલની વિદાય નક્કી મનાઈ રહી છે ત્યારે આનંદીબેને અનામત આંદોલનકારીઓને મેદાને ઉતાર્યા છે અને 2015ના આંદોલન દરમિયાન મુખ્યમંત્રી પદ ગુમાવવાના મુદ્દે સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

બીજી તરફ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતના રાજકારણમાં પોતાની પકડ મજબૂત રાખવા સક્રિય થયા હોવાનું કહેવાય છે. રાજકીય ગલિયારીમાં ચર્ચા છે કે અમિત શાહે હર્ષ સંઘવીને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે. આનંદીબેનની ચાલ ઉંધી પાડવા માટે અમિત શાહે કોળી સમાજના નેતાઓને આગળ કર્યા છે. ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય પબુભા માણેકે કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની માગ કરી છે, જેને ઋષિ ભારતી બાપુનો ટેકો પણ મળ્યો છે.

નોંધનીય છે કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અનાર પટેલનું નામ ચર્ચામાં હતું, પરંતુ અંતિમ સમયે અમિત શાહની ભૂમિકાને કારણે અલ્પેશ ઠાકોરને ટિકિટ મળી હતી. હવે ફરી એકવાર બે દિગ્ગજ નેતાઓના સમર્થકો વચ્ચેની ખેંચતાણથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. હાલ આ તમામ બાબતો રાજકીય ચર્ચાઓ પૂરતી સીમિત છે, પરંતુ આગામી દિવસોમાં વડાપ્રધાન કયો વચલો રસ્તો કાઢે છે તેના પર સૌની નજર છે.

ઉલ્લેખનીય છે કે 11 વર્ષ બાદ પાટીદાર અનામત આંદોલનના નેતાઓએ આનંદીબેન પટેલ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે. ભૂપેન્દ્ર પટેલની વિદાય નક્કી હોવાથી આનંદીબેનના રાજીનામાનો મુદ્દો ચર્ચામાં છે. આ બધું જોતાં ગુજરાતમાં 'પટેલ' મુખ્યમંત્રીની ખુરશી બચાવવાની પડદા પાછળની રાજરમત શરૂ થઈ છે અને ભાજપમાં આંતરિક ખેંચતાણ ચરમસીમાએ પહોંચી છે.