સત્ય. સાહસ. સંકલ્પ.

દાહોદના ધારાસભ્ય બચુભાઈ ખાબડ પર સરકારી મશીનરીના દુરુપયોગના આરોપ, વીડિયો વાયરલ

દાહોદના ધારાસભ્ય બચુભાઈ ખાબડ પર સરકારી મશીનરીના દુરુપયોગના આરોપ, વીડિયો વાયરલ

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા વિધાનસભા ક્ષેત્રમાંથી ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ભાજપના બચુભાઈ ખાબડ સરકારી અને નગરપાલિકાની મશીનરીનો પોતાના ફાયદા માટે દુરુપયોગ કરાવે છે તેવા આરોપ સાથેનો એક વીડિયો સામે આવ્યો છે.

બચુભાઈ ખાબડ અગાઉ રાજ્ય સરકારમાં પંચાયત રાજ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમના મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમના બે પુત્રો વિરુદ્ધ મનરેગાના 71 કરોડ રૂપિયાની ગેરરીતિના આરોપ લાગ્યા હતા. એવો આરોપ હતો કે કોઈપણ પ્રકારનું કામ થયા સિવાય તેમના પુત્રોની કંપનીઓને કરોડો રૂપિયા ચૂકવવામાં આવ્યા. આ મામલે તેમના બંને પુત્રોની ધરપકડ થઈ હતી અને ત્યારબાદ તેઓ જામીન પર મુક્ત થયા હતા. પુત્રો પર ભ્રષ્ટાચારના આરોપ અને ફરિયાદ નોંધાયા બાદ બચુભાઈ ખાબડ સરકારની 22 કેબિનેટની બેઠકોમાં ઉપસ્થિત રહ્યા ન હતા. તેમને ત્યારે મંત્રી પદથી હટાવવામાં આવ્યા ન હતા, પરંતુ ઓક્ટોબર 2025માં થયેલા પુનર્ગઠન સમયે તેમને પડતા મૂકવામાં આવ્યા હતા.

હવે આ મામલો જૂનો થઈ ગયો છે ત્યારે પૂર્વ મંત્રી અને ભાજપના ધારાસભ્ય બચુભાઈએ સરકારી મશીનરીનો કેવો દુરુપયોગ કરાવ્યો છે તેના આરોપ સાથેનો એક વીડિયો ચર્ચામાં છે.

આ ઘટના અમદાવાદ સાથે જોડાયેલી છે. થલતેજ વિસ્તારમાં આવેલા એક ક્રિકેટ ગ્રાઉન્ડમાં એક પોલીસકર્મીના પુત્રએ ગોવા જેવી પાર્ટી ગોઠવી હતી. આ પાર્ટીમાં અમદાવાદમાં ફરજ બજાવતા એસીપી રાજેશ ભાવસારે ફાયરબ્રિગેડની ગાડી મંગાવી હતી. ફાયરબ્રિગેડની ગાડીનો ઉપયોગ આગ બુઝાવવા માટે પાણીના ફુવારા મારવામાં થાય છે, પરંતુ અહીં કાયદા અને નિયમોને બાજુ પર મૂકીને મોજ માણવા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફાયર સ્ટેશનની ડ્યુટી બુકમાંથી મળેલા પુરાવામાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેનું નામ નોંધાયું છે. અમિત ડોંગરે હાલ એસીસીના લાંચના કેસમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.