સત્ય. સાહસ. સંકલ્પ.

ગાંધીનગર મેયરથી લઈને થરા-ઓખા સુધી: ભાજપમાં નવા પ્રમુખોની પસંદગીની કવાયત તેજ

ગાંધીનગર મેયરથી લઈને થરા-ઓખા સુધી: ભાજપમાં નવા પ્રમુખોની પસંદગીની કવાયત તેજ

બનાસકાંઠા અને ગાંધીનગરમાં નગરપાલિકા તથા મહાનગરપાલિકાના નવા પ્રમુખ અને મેયરની પસંદગીને લઈને રાજકીય ચર્ચાઓ જોર પકડી રહી છે. ચૂંટણીના પરિણામો બાદ હવે ભાજપમાં આ પદો માટે કોના નામ પર મહોર વળશે તે અંગે અટકળો ચાલી રહી છે.

બનાસકાંઠા જિલ્લાની થરા નગરપાલિકામાં ભાજપે 19 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસને 5 બેઠકો મળી છે. આ પરિણામ બાદ નવા પ્રમુખની પસંદગીને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

થરા નગરપાલિકાનું પ્રમુખપદ જનરલ મહિલા માટે અનામત છે. તેથી પ્રમુખપદની રેસમાં મહિલા દાવેદારોનાં નામ ચર્ચાઈ રહ્યાં છે. જેમાં ડૉ. અશ્વિનીબેન અખાણી અને ખુશીબેન શેઠનાં નામ મુખ્યત્વે ચર્ચામાં છે, જ્યારે દિપાલીબેન ઠક્કરનું નામ પણ આ રેસમાં સામે આવી રહ્યું છે. ભાજપ આ ત્રણ નામોમાંથી કોને પ્રમુખ બનાવે છે તે અંગે અંતિમ નિર્ણય બાદ જ સ્પષ્ટતા થશે.

ઓખા નગરપાલિકાના નવા પ્રમુખપદ માટે પણ ચર્ચાઓ ચાલી રહી છે. આ પદ સામાન્ય વર્ગ માટે અનામત છે, તેથી સામાન્ય વર્ગના પુરુષની પસંદગી થશે. ચેતન માણેક, માલાભા માણેક, હડાભા માણેક અને નિહાર મોદીનાં નામ ચર્ચામાં છે. જેમાં ચેતન માણેક આ રેસમાં સૌથી આગળ હોવાનું કહેવાય છે.

ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરપદ માટે પણ મંથન ચાલી રહ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગાંધીનગરની મુલાકાતે છે, તેથી આ મુદ્દે ચર્ચા થવાની શક્યતા છે. મેયરપદની પ્રથમ અઢી વર્ષની ટર્મ OBC સામાન્ય માટે અનામત છે.

મેયરપદની રેસમાં કુલ સાત નામ ચર્ચાઈ રહ્યાં છે, જેમાંથી ચાર નામો સૌથી આગળ ગણાય છે. કનૈયાલાલ દેસાઈ, ધર્મેન્દ્ર નાયી, મહેશ ચૌધરી અને રૂપસિંહજી ઠાકોરનાં નામ મુખ્યત્વે ચર્ચામાં છે. આ ઉપરાંત અરવિંદ ઠાકોર, અંકિત બારોટ અને વિષ્ણુજી ઠાકોરનાં નામ પણ ચર્ચાઈ રહ્યાં છે.

ધર્મેન્દ્ર નાયી મેયરપદની રેસમાં સૌથી આગળ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેઓ વોર્ડ નંબર 10ની OBC બેઠક પરથી ચૂંટાયા છે અને સામાન્ય પરિવારમાંથી આવે છે તથા પાયાના કાર્યકર તરીકેની ઓળખ ધરાવે છે. બીજી તરફ, કનૈયાલાલ દેસાઈ સંગઠન મહામંત્રી તરીકે ત્રણ ટર્મનો અનુભવ ધરાવે છે અને વોર્ડ નંબર 5ની OBC બેઠક પરથી ચૂંટાયા છે. મહેશ ચૌધરી બિલ્ડર લોબીમાંથી આવે છે અને વોર્ડ નંબર 1ની સામાન્ય બેઠક પરથી વિજેતા થયા છે.

આમ, ત્રણેય સ્થાનિક સંસ્થાઓમાં નવા નેતૃત્વ માટેની પસંદગી પર ચર્ચાઓ ચાલી રહી છે, જેનો અંતિમ નિર્ણય પક્ષના આંતરિક મંથન બાદ જ આવશે.