ગાંધીનગર, 3 સપ્ટેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર ગુજરાત ભાજપે 'આશીર્વાદનો દીવડો' નામનો વિશેષ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કર્યો છે. આ કાર્યક્રમ હેઠળ 17 સપ્ટેમ્બરે સાંજે રાજ્યના દરેક ઘરમાં દીવો પ્રગટાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
ભાજપના નેતાઓએ જણાવ્યું કે, આ ઉજવણી નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન તરીકેના 25 વર્ષના કાર્યકાળની યાદમાં કરવામાં આવશે. આ દિવસે રાજ્યના દરેક વોર્ડ અને શક્ય તેટલા વધુ ઘરોમાં એક સાથે દીવડો પ્રગટાવીને વડાપ્રધાનને આશીર્વાદ આપવામાં આવશે.
પક્ષના પ્રભારી દ્વારા તમામ કાર્યક્રમોને લોકસેવા અને જનભાગીદારી સાથે જોડવાની સૂચના આપવામાં આવી છે. આ માટે 13 પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે માત્ર ઉજવણી પૂરતા મર્યાદિત ન રહે તેનું ધ્યાન રાખવામાં આવશે.
વધુમાં, 'આશીર્વાદનો દીવડો' કાર્યક્રમને 'વોકલ ફોર લોકલ' અભિયાન સાથે જોડવામાં આવશે. એટલે કે સ્થાનિક કારીગરો દ્વારા બનાવેલા દીવડાઓનો ઉપયોગ કરીને તેમને પ્રોત્સાહન આપવામાં આવશે. ભાજપનો હેતુ છે કે આ ઉજવણી સામાન્ય નાગરિકોના સહભાગિતાથી જનઉત્સવનું સ્વરૂપ લે.