સત્ય. સાહસ. સંકલ્પ.

જન્મ-મરણ પ્રમાણપત્રમાં નામ સુધારણાના નવા નિયમ: પિતાનું નામ મિડલ નેમ રાખવું હવે ફરજિયાત નહીં

જન્મ-મરણ પ્રમાણપત્રમાં નામ સુધારણાના નવા નિયમ: પિતાનું નામ મિડલ નેમ રાખવું હવે ફરજિયાત નહીં

ગાંધીનગર: રાજ્યના મુખ્ય રજિસ્ટ્રાર (જન્મ-મરણ) દ્વારા જન્મ અને મરણના પ્રમાણપત્રમાં નામ, અટક અને માતા-પિતાના નામના સુધારા અંગે નવી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. તા. 2 સપ્ટેમ્બર, 2026ના આ આદેશમાં રજિસ્ટ્રાર અને સબ-રજિસ્ટ્રારને વિવિધ પરિસ્થિતિમાં શું પ્રક્રિયા અપનાવવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

નવી ગાઈડલાઈન મુજબ, જન્મ પ્રમાણપત્રમાં બાળકના નામની સાથે પિતાનું નામ 'મિડલ નેમ' તરીકે રાખવું હવે ફરજિયાત રહેશે નહીં. તે વૈકલ્પિક કરવામાં આવ્યું છે. એ જ રીતે, મરણ પ્રમાણપત્રમાં મૃતકના નામની પાછળ પિતા કે પતિનું નામ લખવાનું પણ ફરજિયાત રહેશે નહીં.

એડવાઈઝરીમાં જણાવાયું છે કે જો બાળકના જન્મના દાખલામાં પિતાનું નામ હટાવીને માતાનું નામ દાખલ કરવું હોય અને માતા-પિતા બંને બાળક સાથે રહેતા હોય, તો પિતાની લેખિત સંમતિના આધારે સુધારો કરી શકાશે. જો માતા-પિતા છૂટાછેડા લીધેલા હોય અને બાળકની કસ્ટડી માતા પાસે હોય, તો કોર્ટના હુકમના આધારે માતાનું નામ અને અટક રાખીને સુધારો કરી શકાશે.

આ ઉપરાંત, બાળકના નામમાં સુધારો કરવા માટે હવે સરકારી ગેઝેટ અને સુધારેલા નામવાળા સરકારી ફોટો આઈડી પ્રૂફ, જેવા કે આધારકાર્ડ કે પાનકાર્ડ,ના આધારે પણ સુધારો થઈ શકશે. આ પ્રકારના સુધારા માટે સોગંદનામું લેવાની જરૂર નથી, પરંતુ જરૂરી પ્રમાણિત અને આધારભૂત દસ્તાવેજોના આધારે કાર્યવાહી કરવાની રહેશે.