સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાત બાર કાઉન્સિલ: જે.જે. પટેલ BCI મેમ્બર તરીકે બિનહરીફ ચૂંટાયા, નવા હોદ્દેદારોની વરણી

ગુજરાત બાર કાઉન્સિલ: જે.જે. પટેલ BCI મેમ્બર તરીકે બિનહરીફ ચૂંટાયા, નવા હોદ્દેદારોની વરણી

રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની અધ્યક્ષતામાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં ગુજરાતના કાનૂની ક્ષેત્ર માટે મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

આ સભામાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન અને પીઢ ધારાશાસ્ત્રી જે.જે. પટેલની બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (BCI)ના સભ્ય તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે. આ નિમણૂક સાથે જે.જે. પટેલ હવે રાષ્ટ્રીય સ્તરે કાનૂની અને વહીવટી ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે.

સામાન્ય સભામાં પ્રવીણભાઈ પટેલને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જ્યારે નિમિષા ધોત્રેને વાઇસ ચેરમેનની જવાબદારી સોંપાઈ છે. ઉપરાંત, અનિરૂદ્ધસિંહ ઝાલાની એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે, જે બાર કાઉન્સિલની વિવિધ કારોબારી પ્રવૃત્તિઓનું સંચાલન સંભાળશે.

નવા નેતૃત્વએ અરનેશ કુમાર ચુકાદા અંગે પોલીસ દ્વારા થતા અર્થઘટનનો મુદ્દો ઉઠાવ્યો હતો. ચુકાદા હેઠળ સાત વર્ષ સુધીની સજા પાત્ર ગુનાઓમાં ધરપકડ અંગે ચોક્કસ પ્રક્રિયા અને કારણો દર્શાવવાની સ્પષ્ટ દિશા આપવામાં આવી હતી. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત, ખાસ કરીને 'પોલીસ' શબ્દના કાયદાકીય અર્થઘટન અને પ્રક્રિયા અંગે સ્પષ્ટતા મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરવાની તૈયારીમાં છે.