રાજ્યસભામાં રજૂ થયેલા એક રિપોર્ટ મુજબ દેશભરમાં આયુષ દવાઓની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ફાર્મા હબ તરીકે ઓળખાતા ગુજરાતમાં આયુર્વેદ અને હોમિયોપેથીક દવાઓના 21 સેમ્પલ ટેસ્ટિંગમાં ફેલ થયા છે. સરકારે આ દવાઓને 'નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી' જાહેર કરી છે.
લોકો કેમિકલમુક્ત ઇલાજ માટે આયુર્વેદ તરફ વળી રહ્યા છે, પરંતુ બજારમાં બ્રાન્ડના નામે હલકી ગુણવત્તાની દવાઓ વેચાઈ રહી છે. આ દવાઓમાં આર્સેનિક, પારો અને સીસા જેવી ધાતુઓ તથા એલોપેથિક દવાઓનું મિશ્રણ મળી આવ્યું છે, જે દર્દીઓના લિવર અને કિડનીને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
રિપોર્ટ અનુસાર દેશમાં સૌથી વધુ ફેલ થયેલી આયુષ દવાઓમાં હિમાચલ પ્રદેશમાં 185, ઉત્તરાખંડમાં 155 અને ગુજરાતમાં 21 દવાઓ સામે આવી છે. જ્યારે મધ્યપ્રદેશ, ઓડિસા, દિલ્હી, કાશ્મીર, મેઘાલય, ગોવા, છત્તીસગઢ અને હરિયાણા જેવા રાજ્યોમાં એક પણ સેમ્પલ ફેલ થયું નથી.
શુદ્ધતાના દાવા કરતી આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાઓમાં ભારે ધાતુઓ અને એલોપેથિક દવાઓનું ગેરકાયદે મિશ્રણ મળી આવતાં સરકારે આ તમામ ઉત્પાદનોને નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી જાહેર કર્યા છે. સંસદમાં રજૂ થયેલો આ રિપોર્ટ દર્શાવે છે કે ડ્રગ કંટ્રોલ વિભાગે લેબોરેટરી ટેસ્ટિંગ અને નકલી આયુર્વેદિક કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે.