રાષ્ટ્રીય આયુર્વેદિક શિક્ષણ સંસ્થા (NCISM) ના મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડે શૈક્ષણિક વર્ષ 2026-27 માટે મોટી કાર્યવાહી કરી છે. નિયમોનું ઉલ્લંઘન કરતી અને શૈક્ષણિક ધોરણો જાળવવામાં નિષ્ફળ રહેલી ગુજરાતની સાત આયુર્વેદિક કોલેજોની BAMS કોર્સ માટેની મંજૂરી રદ કરવામાં આવી છે. રાજ્યની એકસાથે સાત કોલેજોની માન્યતા રદ થતાં શિક્ષણ જગતમાં ચર્ચા શરૂ થઈ છે.
NCISMની તપાસમાં સામે આવ્યું છે કે અનેક કોલેજોમાં શૈક્ષણિક ફેકલ્ટી માત્ર 'કાગળ પર' જ દર્શાવવામાં આવી હતી. આ શિક્ષકો વાસ્તવમાં કોલેજમાં હાજર રહીને પોતાની ફરજો બજાવતા ન હતા. આ ગંભીર બેદરકારી સામે પગલાં લેતાં આવી બોગસ ફેકલ્ટીના 'ટીચર કોડ' એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ પ્રતિબંધિત ગાળા દરમિયાન આ શિક્ષકો કોઈપણ તબીબી સંસ્થામાં સેવા આપી શકશે નહીં અને તેમનો અનુભવ પણ માન્ય ગણાશે નહીં. જૂનાગઢની નોબલ આયુર્વેદ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની શૈક્ષણિક વર્ષ 2026-27 માટેની 100 BAMS બેઠકોની મંજૂરી રદ કરવામાં આવી છે. આ કોલેજમાં 13 બોગસ શિક્ષકોને કાયદેસર ઠેરવવા અને સાનુકૂળ ચકાસણી રિપોર્ટ મેળવવા માટે રૂ. 10 લાખની લાંચ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જૂનાગઢની નોબલ ઉપરાંત ગોધરાના કાંકણપુરની જય જલારામ આયુર્વેદિક મેડિકલ કોલેજ, વડોદરાના વાઘોડિયાની સુમનદીપ આયુર્વેદ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, અમરેલીના ધારીની શ્રીધર અતુલકુમાર જાની આયુર્વેદિક મેડિકલ કોલેજ, મહેસાણાના બાસણાની સરદાર આયુર્વેદ કોલેજ એન્ડ હોસ્પિટલ, ખેડાના કાણેરાની ડાલિયા આયુર્વેદ કોલેજ એન્ડ હોસ્પિટલ તથા સુરેન્દ્રનગરના લીંબડીની લીંબડી આયુર્વેદિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરની માન્યતા રદ કરવામાં આવી છે.
સાત કોલેજોની માન્યતા રદ થતાં કુલ 620 બેઠકોમાં ઘટાડો થયો છે. આગામી શૈક્ષણિક વર્ષથી આ સાતેય કોલેજોમાં આયુર્વેદાચાર્ય કોર્સ માટે નવા પ્રવેશ સંપૂર્ણપણે બંધ થઈ જશે. આનાથી આયુર્વેદમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા અને પ્રતિક્રિયા જોવા મળી રહી છે.