ગુજરાતમાં આયુર્વેદિક શિક્ષણ ક્ષેત્રે મોટો ઝટકો પડ્યો છે. નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન (NCISM)એ શૈક્ષણિક વર્ષ 2026-27 માટે કરેલી તપાસ બાદ રાજ્યની 7 ખાનગી આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ કરી છે. જૂનાગઢની નોબલ આયુર્વેદ કોલેજ-રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પણ આ યાદીમાં છે.
માન્યતા રદ થતાં આ સાતેય કોલેજોમાં બીએએમએસ (આયુર્વેદાચાર્ય) કોર્સમાં નવા પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. NCISM એક્ટ 2020ની કલમ 28 અને 29 હેઠળ લેવાયેલા આ પગલાના કારણે રાજ્યમાં BAMSની કુલ 620 બેઠકો ઘટી ગઈ છે.
નિરીક્ષણ દરમિયાન આ કોલેજોમાં પૂરતા કવોલિફાઇડ પ્રોફેસરો, પૂરતા દર્દીઓ ધરાવતી હોસ્પિટલો અને જરૂરી સાધનોનો અભાવ સામે આવ્યો હતો. લાખો રૂપિયાની ફી ઉઘરાવતી આ કોલેજો માત્ર કાગળ પર જ ધોરણો પૂરા કરતી હોવાનું સામે આવ્યું છે.
માન્યતા રદ થયેલી કોલેજોમાં જૂનાગઢની નોબલ આયુર્વેદ કોલેજ-રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (100 બેઠક), વડોદરાની સુમનદીપ આયુર્વેદ મેડિકલ કોલેજ-હોસ્પિટલ (100 બેઠક), મહેસાણાની સરદાર આયુર્વેદ કોલેજ એન્ડ હોસ્પિટલ (100 બેઠક), ખેડાની ડાલિયા આયુર્વેદ કોલેજ એન્ડ હોસ્પિટલ (100 બેઠક), લીંબડીની લીંબડી આયુર્વેદિક મેડિકલ કોલેજ (100 બેઠક), ગોધરાની જય જલારામ આયુર્વેદિક કોલેજ (60 બેઠક) અને અમરેલીની શ્રીધર અતુલકુમાર જાની આયુ. મેડી. કોલેજ (60 બેઠક)નો સમાવેશ થાય છે.
આ નિર્ણયથી આયુર્વેદમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ છે. નીટ પાસ કરીને આવતા વિદ્યાર્થીઓ એડમિશનની પ્રક્રિયા વચ્ચે રઝળી પડે છે. વિદ્યાર્થી સંગઠનો અને વાલીઓએ સવાલ ઉઠાવ્યો છે કે રાજ્યનો આરોગ્ય વિભાગ અને સ્થાનિક યુનિવર્સિટીઓ આ કોલેજોને મંજૂરી કઈ રીતે આપતી હતી? માત્ર કાગળ પર ચાલતી આ કોલેજો સામે અગાઉ પગલાં કેમ ન લેવાયા?
વાલીઓની માંગ છે કે માત્ર માન્યતા રદ કરવાથી કશું નહીં થાય. શિક્ષણના નામે દુકાનો ચલાવતા સંચાલકો સામે કડક ગુનાહિત કાર્યવાહી થવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ વિદ્યાર્થીનું નુકસાન ન થાય.