સત્ય. સાહસ. સંકલ્પ.

અરબી સમુદ્રમાં ગુજરાત ATS અને કોસ્ટગાર્ડની સંયુક્ત કાર્યવાહી, 3000 કરોડની MD ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની ઝડપાયા

અરબી સમુદ્રમાં ગુજરાત ATS અને કોસ્ટગાર્ડની સંયુક્ત કાર્યવાહી, 3000 કરોડની MD ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની ઝડપાયા

અરબી સમુદ્રમાં ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને લક્ષદ્વીપ નજીકથી 5 પાકિસ્તાની નાગરિકોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી 526 કિલો MD ડ્રગ્સ (મેથામ્ફેટામાઈન) જપ્ત કરવામાં આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત 3,000 કરોડ રૂપિયા આંકવામાં આવે છે.

ગુજરાત ATSના PI જે.એન. પટેલને 20 દિવસ પહેલા બાતમી મળી હતી કે એક ઈરાની બોટ પાકિસ્તાનથી ડ્રગ્સ ભરીને ભારત તરફ રવાના થઈ છે અને તે કોચી પાસેથી પસાર થશે. આ માહિતીના આધારે 10 સપ્ટેમ્બરે ATSના PI બી.એચ. કોરાટ અને વી.એન. વાઘેલા 12 કર્મચારીઓની ટીમ સાથે કોચી ગયા. ત્યાં ભારતીય કોસ્ટગાર્ડ સાથે સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બોટ આંતરરાષ્ટ્રીય જળસીમામાં છે. સેટેલાઈટની મદદથી 19 દિવસ સુધી બોટને ટ્રેક કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય જળસીમામાં હોવાથી તેને ત્યાં જ પકડી શકાય તેમ ન હતું, તેથી બોટ ભારતીય જળસીમામાં પ્રવેશે ત્યાં સુધી રાહ જોવામાં આવી. બોટ ભારતીય જળસીમામાં પ્રવેશતાં જ કોસ્ટગાર્ડ અને ATSની ટીમે શોધખોળ શરૂ કરી.

કોસ્ટગાર્ડની સ્પીડ બોટ દ્વારા શંકાસ્પદ બોટને ચારેતરફથી ઘેરી લેવામાં આવી. કોસ્ટગાર્ડે ચેતવણી આપતાં કહ્યું, 'તમે ચારેતરફથી ઘેરાઈ ગયા છો, તમામ લોકો હાથ ઊંચા કરીને આગળની તરફ આવી જાવ.' કોસ્ટગાર્ડની શીપમાંથી 30 જેટલા જવાનો અલગ-અલગ સ્પીડ બોટમાં ડ્રગ્સ ભરેલી બોટ સુધી પહોંચ્યા. બોટમાં તપાસ કરતાં 526 કિલો MD ડ્રગ્સ અને 5 પાકિસ્તાની નાગરિકો મળી આવ્યા.

પૂછપરછમાં ખબર પડી કે આ ડ્રગ્સનો જથ્થો દરિયાઈ માર્ગે કોચીથી લક્ષદ્વીપ થઈને મુંબઈ અને ત્યાંથી તમિલનાડુ પહોંચાડવાનો હતો. ત્યારબાદ ટુકડે-ટુકડે પાકિસ્તાન મોકલવાનું આયોજન હતું. ઝડપાયેલા પાંચેય પાકિસ્તાની પેશાવરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

ડ્રગ્સ સાથેની બોટને મુંબઈના જેટી પર લાવવામાં આવી. બોટ મુંબઈ પહોંચતાં જ ATSની અન્ય ત્રણ ટીમ મુંબઈ રવાના થઈ. પંચનામું પૂરું થયા બાદ ઝડપાયેલા પાંચેય પાકિસ્તાની અને ડ્રગ્સનો જથ્થો અમદાવાદ લાવવામાં આવશે. ATS આ કેસની સ્વતંત્ર રીતે તપાસ કરશે.

આ ડ્રગ્સ કેસમાં પંજાબના એક વ્યક્તિ અને એક નાઈજીરીયન વ્યક્તિનું નામ ખુલ્યું છે, જેની તપાસ ચાલી રહી છે. આ પહેલાં અમદાવાદમાં નાઈજીરીયનની મીટિંગ અંગે પણ માહિતી મળી હતી.