ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડની કડક પેટ્રોલિંગને કારણે આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટે ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પોતાનો પરંપરાગત દરિયાઈ રૂટ બદલી નાખ્યો છે. પહેલાં પાકિસ્તાનથી સીધું ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સ ઉતારવામાં આવતું હતું, પણ હવે તે પકડાઈ જવાની શક્યતા વધતાં સિન્ડિકેટે 'ઈરાન-ગ્વાદર-લક્ષદ્વીપ-તમિલનાડુ-પંજાબ'નો નવો કોરિડોર અપનાવ્યો છે.
ગુજરાત ATS અને ICGએ અરબ સાગરમાં ₹3,000 કરોડની કિંમતના ડ્રગ્સનો સૌથી મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. લક્ષદ્વીપ નજીક ઈરાની બોટમાંથી 526 કિલો હેરોઈન અને મેથમફેટામાઈન સાથે 5 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી હતી. ગુપ્ત બાતમીના આધારે 'હોટ પર્સ્યુટ' કરીને બોટને આંતરવામાં આવી હતી અને ડ્રગ્સ મુંબઈ લાવવામાં આવ્યું છે.
ગુજરાત ATS દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં દરિયામાં હાથ ધરાયેલા સતત ઓપરેશનોને કારણે સ્મગલરો માટે કચ્છ અને સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો અત્યંત જોખમી બની ગયો છે. આથી, હાજી સલીમ સિન્ડિકેટે ઈરાનના કોનારક પોર્ટ અને પાકિસ્તાનના ગ્વાદરથી બોટ રવાના કરી, લાંબો દરિયાઈ ફેરો લગાવીને દક્ષિણ ભારત તરફ રૂટ ડાયવર્ટ કર્યો હતો.
યોજના મુજબ, લક્ષદ્વીપ અને કોચી નજીક ઊંડા સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય બોટમાંથી તમિલનાડુની સ્થાનિક માછીમારી બોટમાં માલ ટ્રાન્સફર કરવાનો હતો, જેથી તટીય સુરક્ષા એજન્સીઓના રડારથી બચી શકાય. તમિલનાડુના કાંઠે આ જથ્થો ઉતાર્યા બાદ સુરક્ષા ચેકપોસ્ટોથી બચવા માટે તેને કન્ટેનર કે ગુપ્ત ખાના ધરાવતા માલવાહક વાહનો મારફતે ટુકડે-ટુકડે રોડ માર્ગે પંજાબ પહોંચાડવાનું પદ્ધતિસરનું ષડયંત્ર ઘડાયું હતું.
જોકે, ATS અને કોસ્ટગાર્ડે મિડ-સી જોઈન્ટ ઓપરેશન કરીને આ નવા સ્મગ્લિંગ કોરિડોરને પણ તોડી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટ દ્વારા તમિલનાડુના કાંઠે કન્સાઇનમેન્ટ રિસીવ કરવા માટે સ્થાનિક માછીમારોની બોટ ભાડે રાખવામાં આવી હતી કે કેમ અને તેમાં સ્થાનિક લોજિસ્ટિક્સ પ્રોવાઇડર કોણ હતા, તેની કડીઓ મેળવવા તપાસ તેજ કરાઈ છે.
ગુજરાત ATS, મરીન ટાસ્ક ફોર્સ અને કોસ્ટગાર્ડના રડાર નેટવર્ક તથા સ્થાનિક માછીમારોના મજબૂત બાતમીદાર તંત્રને લીધે પાકિસ્તાની બોટ સીધી ગુજરાત કાંઠે આવતાં જ ઝડપાઈ જતી હતી. સ્મગલરોએ ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન (IMBL) પર સીધા આવવાને બદલે ઈરાન અને ગ્વાદરથી ઊંડા દરિયા મારફતે લક્ષદ્વીપ તરફ હજારો નોટિકલ માઇલનો ફેરો લગાવ્યો, જેથી પશ્ચિમ કાંઠાની ચાંપતી સુરક્ષા એજન્સીઓને થાપ આપી શકાય. પણ આ નવું ષડયંત્ર પણ નિષ્ફળ ગયું છે.