સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાત સરકારે અટલ સુશાસન પુરસ્કારની જાહેરાત કરી, શ્રેષ્ઠ અધિકારીઓને રોકડ ઈનામ

ગુજરાત સરકારે અટલ સુશાસન પુરસ્કારની જાહેરાત કરી, શ્રેષ્ઠ અધિકારીઓને રોકડ ઈનામ

ગાંધીનગર: ગુજરાત સરકારે વહીવટી તંત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓને પ્રોત્સાહિત કરવા માટે 'અટલ સુશાસન પુરસ્કાર' આપવાનો નિર્ણય લીધો છે. આ પુરસ્કાર હેઠળ વર્ગ-૧ના અધિકારીઓને રૂ. ૩૧,૦૦૦ અને વર્ગ-૨ના અધિકારીઓને રૂ. ૨૧,૦૦૦નું રોકડ ઇનામ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.

સામાન્ય વહીવટ વિભાગ (GAD)ના ઠરાવ મુજબ, અધિકારીઓની પસંદગી સંબંધિત વિભાગ દ્વારા અગાઉથી નક્કી કરેલા મૂલ્યાંકન મુદ્દાઓ અને માપદંડોના આધારે થશે. આ પુરસ્કાર માટે મુખ્યત્વે ૭ વહીવટી વિભાગોનો સમાવેશ કરાયો છે: આરોગ્ય અને પરિવાર કલ્યાણ, શિક્ષણ, માર્ગ અને મકાન, અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહકોની બાબતો, રમત-ગમત અને યુવા, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, તેમજ મહેસૂલ વિભાગ.

મામલતદારની કામગીરીના મૂલ્યાંકન માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધીક્ષક અને નિવાસી નાયબ કલેક્ટરનો સમાવેશ કરતી સમિતિની રચના કરવામાં આવશે.

પંચાયત સંબંધિત કામગીરી માટે અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ કે સચિવ (પંચાયત) અને પંચાયત અધ્યક્ષ આ પ્રક્રિયા સંભાળશે. જ્યારે મહેસૂલ સંબંધિત કામગીરી માટે અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ કે સચિવ (મહેસૂલ) અને મહેસૂલ અધ્યક્ષ રહેશે.

નિયમો અનુસાર, તમામ સંબંધિત વિભાગોએ દર વર્ષે ૩૦ નવેમ્બર સુધીમાં મૂલ્યાંકનની સમગ્ર કામગીરી પૂર્ણ કરવાની રહેશે, જેથી પારદર્શક રીતે ઉત્કૃષ્ટ અધિકારીઓની પસંદગી થઈ શકે.