ગુજરાત વિધાનસભાના આગામી ચોમાસુ સત્ર પહેલાં ગાંધીનગરમાં રાજકીય પ્રવૃત્તિ વધી છે. આજે સાંજે 5.30 વાગ્યે વિધાનસભા ખાતે અધ્યક્ષની ઉપસ્થિતિમાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાશે. આ બેઠકમાં 9થી 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ત્રણ દિવસીય સત્ર દરમિયાન ગૃહની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવશે.
કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં સરકાર તરફથી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત શાસક પક્ષના મુખ્ય દંડક અને સંસદીય મંત્રી હાજર રહેશે. જ્યારે વિપક્ષી કોંગ્રેસ તરફથી વિપક્ષના નેતા અને નાયબ દંડક હાજરી આપશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ માત્ર ત્રણ દિવસના બદલે સત્રના દિવસો વધારવાની માગ કરી શકે છે. વિપક્ષ સરકારના વિવિધ મુદ્દાઓને લઈને ગૃહમાં ચર્ચા કરવા માંગે છે.
બીજી તરફ, સત્ર શરૂ થાય તે પહેલાં બુધવારે સવારે 10 વાગ્યે વિધાનસભાના ચોથા માળે ભાજપ પક્ષની બેઠક યોજાશે. આ બેઠકમાં ભાજપના તમામ ધારાસભ્યો અને મંત્રીઓ હાજર રહેશે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી ઉપરાંત ભાજપના પ્રદેશ પ્રમુખ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. સત્ર દરમિયાન સરકારની કામગીરી, વિપક્ષના સંભવિત પ્રહારો અને તેનો વળતો પ્રહાર કેવી રીતે કરવો તે અંગે ધારાસભ્યોને માર્ગદર્શન આપવામાં આવશે.
ભાજપના ધારાસભ્યોને સરકારના આશરે 9 જેટલા સરકારી વિધેયકો દરમિયાન ગૃહમાં ફરજિયાત હાજરી રાખવા માટે પણ સૂચના આપવામાં આવે તેવી શક્યતા છે. આમ, ત્રણ દિવસના ચોમાસુ સત્ર પહેલાં આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠક અને બુધવારે ભાજપની બેઠકથી ગુજરાતના રાજકારણમાં સરગરમી જોવા મળી રહી છે.