સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર માત્ર 3 દિવસ: કોંગ્રેસે સરકાર પર મોંઘવારી-બેરોજગારી છુપાવવાનો આરોપ લગાવ્યો

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર માત્ર 3 દિવસ: કોંગ્રેસે સરકાર પર મોંઘવારી-બેરોજગારી છુપાવવાનો આરોપ લગાવ્યો

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું આગામી ચોમાસુ સત્ર માત્ર ત્રણ દિવસ માટે બોલાવવામાં આવ્યું છે, જેને લઈને રાજ્યમાં રાજકીય હોબાળો શરૂ થયો છે. વિરોધ પક્ષ કોંગ્રેસે સત્રના ટૂંકા ગાળા અંગે સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે.

કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય શૈલેષ પરમારે આરોપ લગાવ્યો છે કે, મોંઘવારી, બેરોજગારી અને ઓછા વરસાદના કારણે ઊભી થયેલી વિકટ સ્થિતિના પડકારોથી બચવા માટે સરકારે સત્રનો સમયગાળો મર્યાદિત કર્યો છે. તેમણે કહ્યું કે, હાલમાં સમગ્ર ગુજરાતમાં મોંઘવારી, શિક્ષિત યુવાનોમાં વ્યાપક બેરોજગારી અને વરસાદની ઘટના કારણે ખેડૂતોની સમસ્યાઓ જેવા ગંભીર મુદ્દાઓ છે, પરંતુ શાસક પક્ષ આ મુદ્દાઓ પર ગૃહમાં ચર્ચા કરવાથી ડરે છે.

પરમારે વધુમાં જણાવ્યું કે, પ્રથમ દિવસે દિવંગત ધારાસભ્ય યોગેશ પટેલના માનમાં શોકપ્રસ્તાવ પસાર કરવામાં આવશે, જેથી વાસ્તવિક કામકાજ માત્ર બે દિવસ જ બાકી રહેશે. હકીકતમાં, સાત કરોડથી વધુ જનતાનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા માટે આ ગાળો ખૂબ ઓછો છે, એવો સવાલ તેમણે ઉઠાવ્યો.

કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે, ટૂંકા સત્ર હોવા છતાં પણ પક્ષ ખેડૂતો, વિદ્યાર્થીઓ અને બેરોજગાર યુવાનોના મુદ્દાઓને ગૃહમાં જોરશોરથી ઉઠાવશે. પેપર લીક, પરીક્ષાની અનિયમિતતા, મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરવા માટે કોંગ્રેસે વ્યૂહરચના તૈયાર કરી છે.