ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ ટૂંકા સત્રમાં શાસક પક્ષ અને વિપક્ષ બંને આક્રમક મિજાજમાં છે, કારણ કે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બંને પક્ષો પોતાની વ્યૂહરચના ઘડી રહ્યા છે.
રાજ્યમાં વરસાદ ખેંચાવાને કારણે સર્જાયેલી અર્ધ-દુષ્કાળની સ્થિતિ, જગતના તાતના આંસુ, આકાશે આંબતી મોંઘવારી, કાયદો-વ્યવસ્થાના પ્રશ્નો અને શિક્ષિત બેરોજગારી જેવા મુદ્દાઓ પર વિપક્ષ સરકારને ઘેરવાની તૈયારીમાં છે. સરકાર પણ પોતાની સિદ્ધિઓ અને કાયદાકીય પગલાં દ્વારા વિપક્ષના પ્રહારોને ઝીલવા અને વળતો પ્રહાર કરવાની તૈયારી કરી છે.
સત્ર દરમિયાન પ્રશ્નોત્તરીના સમયમાં પશુપાલકો અને ગ્રામીણ મતદારોને સીધી અસર કરતા મુદ્દાઓ પર તીખી ચર્ચા થવાની સંભાવના છે. આ ઉપરાંત, રજૂ થનારા નવ વિધેયકોમાં રાજકીય ગણિત સાથે ચર્ચા થશે. ખાસ કરીને શહેરી અને ગ્રામીણ જમીન માલિકોના હિતો સાથે જોડાયેલા સુધારા વિધેયકોને સરકાર પાસ કરાવવા ઈચ્છે છે, જ્યારે વિપક્ષ આ વિધેયકોમાં ખામી શોધીને સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.
સત્રના પ્રથમ દિવસે જ પાટનગર ગાંધીનગરની સડકો પર રાજકીય હલચલ જોવા મળશે. કોંગ્રેસે સરકારની નિષ્ફળતાઓ ઉજાગર કરવા માટે જન આક્રોશ રેલી અને ધરણાની જાહેરાત કરી છે.
સત્તાવાર વિધાનસભા પોર્ટલ પર સત્રમાં ચર્ચા માટેના વિધેયકોની વિગતો ઉપલબ્ધ છે. તેમાં ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક, 2026, ગુજરાત ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને એકત્રીકરણ (સુધારા) વિધેયક, 2026, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ (સુધારા) વિધેયક, 2026, ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ વિધેયક, 2026 અને ગુજરાત માલ અને સેવા વેરા (સુધારા) વિધેયક, 2026નો સમાવેશ થાય છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અગાઉ 8થી 10 સપ્ટેમ્બર માટે સત્ર બોલાવ્યું હતું, પરંતુ 31 ઓગસ્ટે તે રદ કરીને નવી તારીખો જાહેર કરવામાં આવી હતી. નવા કાર્યક્રમ પ્રમાણે સત્ર 9થી 11 સપ્ટેમ્બર સુધી ચાલશે, જેની અવધિ ત્રણ દિવસની જ છે.