સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર માત્ર 3 દિવસમાં પૂરું, 52 ધારાસભ્યોએ જ ભાગ લીધો

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર માત્ર 3 દિવસમાં પૂરું, 52 ધારાસભ્યોએ જ ભાગ લીધો

ગાંધીનગર: 15મી ગુજરાત વિધાનસભાનું નવમું સત્ર એટલે કે ચોમાસુ સત્ર માત્ર ત્રણ દિવસમાં પૂરું થયું છે. આ સત્ર દરમિયાન કુલ 18 કલાક 32 મિનિટ કામગીરી થઈ. 182 સભ્યો ધરાવતી વિધાનસભામાં માત્ર 52 ધારાસભ્યોએ જ વિવિધ ચર્ચામાં ભાગ લીધો. સત્રમાં કુલ 7 સરકારી વિધેયક પસાર થયા.

ડિસેમ્બર 2022થી સપ્ટેમ્બર 2026 વચ્ચે વિધાનસભાના કુલ 106 દિવસ બેઠકો થઈ છે. એટલે કે દર વર્ષે સરેરાશ 21 દિવસ બેઠક થાય છે. વર્ષમાં સૌથી વધુ બેઠકો યોજતા રાજ્યોની યાદીમાં ગુજરાત ટોચના 15 રાજ્યોમાં પણ સામેલ નથી. આ યાદીમાં કેરળ 44 દિવસ સાથે પ્રથમ, ઓડિશા 40 દિવસ સાથે બીજા અને પશ્ચિમ બંગાળ તથા કર્ણાટક 34 દિવસ સાથે સંયુક્ત ત્રીજા સ્થાને છે.

દેશના પૂર્વ ન્યાયાધીશ એમ.એન. વેંકટચલૈયાના નેતૃત્વ હેઠળની બંધારણ સમીક્ષા આયોગે 2002ના તેના અહેવાલમાં ભલામણ કરી હતી કે નાના રાજ્યોમાં વર્ષમાં ઓછામાં ઓછા 50 દિવસ અને મોટા રાજ્યોમાં 90 દિવસ વિધાનસભાની બેઠક થવી જોઈએ. તે જ રીતે રાજ્યસભામાં વર્ષમાં ઓછામાં ઓછી 100 અને લોકસભામાં ઓછામાં ઓછી 120 બેઠકોની ભલામણ કરવામાં આવી હતી.

જાણકારોના મતે રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ અને સરકારને સવાલોથી બચવાની વૃત્તિ ઓછી બેઠકોનું મુખ્ય કારણ છે. સત્તાપક્ષ પાસે બહુમતીથી વધુ બેઠકો હોવાથી તેમના ધારાસભ્યોને વિધેયકોમાં ઓછો રસ હોય છે અને જનતાના પ્રશ્નો રજૂ કરવામાં પણ તેઓ ખાસ રસ ધરાવતા નથી.

ચોમાસુ સત્રની મુખ્ય બાબતો:

  • 3 દિવસના સત્રમાં 18 કલાક 32 મિનિટની કામગીરી.
  • કુલ 52 ધારાસભ્યોએ ચર્ચામાં ભાગ લીધો.
  • કુલ 7 સરકારી વિધેયક પસાર થયા.
  • કુલ 135 તારાંકિત પ્રશ્નો રજૂ થયા, જેમાંથી 29 પ્રશ્નો પર ગૃહમાં મૌખિક ચર્ચા થઈ.
  • કુલ 152 અતારાંકિત પ્રશ્નો મળ્યા, 88 અતારાંકિત પ્રશ્નો મેજ પર મૂકાયા.
  • વિવિધ સમિતિના પાંચ અહેવાલ ગૃહમાં રજૂ થયા.