આજથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થયું છે. ગૃહમાં વંદે માતરમ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા બેસી જતાં વિવાદ સર્જાયો હતો. સત્ર શરૂ થાય તે પહેલાં આપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ ધરણાં કર્યાં હતાં. કોંગ્રેસના ધારાસભ્ય ચૈતર વસાવા ખાસ જામીન લઈને સત્રમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જોકે, શોક પ્રસ્તાવ બાદ ગૃહની કાર્યવાહી 10 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે.
લઘુત્તમ વેતનની માગ સાથે આંગણવાડી બહેનોએ અમદાવાદના સરદાર ગાર્ડનમાં ધરણાં કર્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, જો સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરતી હોય તો મહિલાઓને પૂરતું વેતન પણ આપવું જોઈએ.
રાજ્યમાં નંબર પ્લેટ વગરના વાહનો સામે 14 ઓક્ટોબર સુધી ડ્રાઇવ ચાલશે. રોંગ સાઈડ અને ઓવર સ્પીડિંગ કરનારા 74 હજાર વાહનચાલકોને દંડ કરવામાં આવ્યો છે અને 5.33 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે.
કથિત અપહરણ અને લગ્ન કેસમાં કિંજલ રબારી અને તેના પતિ હાઈકોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર રહ્યાં હતાં. કિંજલે કોર્ટને જણાવ્યું કે તેનું અપહરણ થયું નથી અને તે પોતાની મરજીથી અશોક ચૌધરી સાથે ગઈ છે. કિંજલના નિવેદન બાદ કોર્ટે અપહરણની ફરિયાદ સામે સ્ટે મૂક્યો છે અને તેને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવશે.
સુરતમાં 2 વર્ષ પહેલાં થયેલા સગીરાના મોત મામલે ઘટસ્ફોટ થયો છે. મોત પહેલાં સાવકા બાપે દુષ્કર્મ આચર્યાનો ખુલાસો થયો છે અને DNA રિપોર્ટથી આરોપીનો ભાંડો ફૂટ્યો છે.
રાજકોટમાં નિર્માણાધીન બ્રિજની કામગીરીમાં બેદરકારી મામલે કાર્યવાહી કરવામાં આવી છે. બે ઈજનેરને સસ્પેન્ડ કરાયા છે અને ડેપ્યુટી કમિશનર તથા સિટી ઈજનેરને નોટિસ ફટકારવામાં આવી છે.
રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘમાં રાદડિયા જૂથનો દબદબો જોવા મળ્યો છે. ભાજપના બે બળવાખોરની જીત થઈ છે જ્યારે પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીને માત્ર પોતાનો મત મળ્યો હતો અને તેમણે કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
સુરતમાં શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી છે. છઠ્ઠા માળે લાગેલી આગ નીચે ફેલાઈ હતી. 17થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે અને એક ફાયરકર્મીને ઈજા પહોંચી છે.
હવામાન વિભાગે રાહત આપતી આગાહી કરી છે. ભાદરવાની શરૂઆતમાં જ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 12થી 14 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડી શકે છે.